- પ્રથમ લોકદરબારમાં 82 પ્રશ્ર્નો રજૂ, કાલે નંબર-બેના વોર્ડમાં લોક દરબાર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્ર્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આજે તા.22/07/2024, સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.1માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.3ના ખૂણે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ “લોક દરબાર” કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, વોર્ડ નં.1ના કોર્પોરેટરદુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા,નાયબ કમિશનર સી.કે.નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ, આસી.કમિશનર સમીર ધડુક, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, વોર્ડ નં.1નાં ઈ.ચા.એન્જીનિયરએમ.બી. ગાવિત,એ.ટી.પી. મનોજ શ્રીવાસ્તવ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, નાયબ કાર્યપાલક ઈજનેર (રોશની)બીરજુ મહેતા, ઈ.ચા.મેનેજર ફાલ્ગુની કલ્યાણી, વોર્ડ ઓફિસર મહેશ મુલીયાણા, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.1ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ ખાણધર, મહામંત્રી નાગજીભાઈ વરૂતથા વોર્ડના બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
આ “લોક દરબાર” મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરેલ.કોર્પોરેટરદુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ વડે સ્વાગત કરવામાં આવેલ.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મંચસ્થ મહાનુભાવોનું અને વોર્ડ નં.1ના નાગરિકોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, વર્ષ 2005થી પૂર્વ મેયર ડો.ધનસુખભાઈ ભંડેરી દ્વારા લોક દરબાર શરૂ કરી એક પહેલ કરવામાં આવેલ હતી. આ પહેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ સુધી યથાવત રાખવામાં આવેલ છે. આ એક પ્રકારનો સેવાકીય યાત્રાનો રથ છે. આ કાર્યક્રમની આભારવિધિ શાસકપક્ષ દંપક મનિષભાઇ રાડીયા દ્વારા કરવામાં આવેલ.
“લોક દરબાર” કાર્યક્રમની રૂપરેખા આપતા કમિશનર ડી.પી.દેસાઈએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ચાલતી પ્રણાલીના ભાગરૂપે આજથી તમામ વોર્ડમાં ક્રમશ: વોર્ડના નાગરિકોના પ્રશ્ર્નો સાંભળવા માટે લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવશે.વોર્ડના ટૂંકાગાળાના કે લાંબાગાળાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.વોર્ડના વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવો અનુરોધ કરવામાં આવે છે.
“લોક દરબાર” કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, દરેક નાગરિકને પોતાના વોર્ડમાં વિવિધ બાબતો માટે વેદના હોઈ, વ્યથા હોઈ તેના નિરાકરણ માટે અમે તમારા દ્વારે આવ્યા છીએ. આપણા વિસ્તારને અગવડતામાંથી સગવડતા માટે આ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપને કોઈ પ્રશ્ર્ન હોઈ તો કહી શકો છો અને તેનો નિકાલ તાત્કાલિક કરાવીશું. સૌ સાથે મળીને વોર્ડના પ્રશ્ર્નોનો નિકાલ કરીએ.
આવતીકાલ તા.23/07/2024, મંગળવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.2માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.2-અ, ગીત ગુર્જરી સોસા., રામેશ્ર્વર ચોક પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.
નાગરીકોના સહકારથી જ “સ્વચ્છ” શહેરનું નિર્માણ થશે: નયનાબેન પેઢડીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે શહેર પ્રમુખ મુકેશ દોશી સહિત સૌ કોઇ આગેવાનોએ ‘મેયર તમારા આંગણે’ કાર્યક્રમને દીપાવ્યો હતો. લોકો સમસ્યા અંગે નિરાકરણ લાવવા. અમે તત્પર છીએ. લોકોની સમસ્યાની અરજી નામ સાથે લેવામાં આવે છે અને સમસ્યા અંગે મનન કરીને તુરંત પગલાં લેશું. કોર્પોરેશન અને તમામ હોદ્ેદારો લોકોના પ્રશ્ર્નોને ધ્યાને લઇને કાર્યરત છે. પરંતુ રાજકોટની પ્રિય જનતાએ પણ સ્વચ્છતા બાબતે શહેરનો ક્રમાંક ઊંચો લાવવા આગળ રહેવું પડશે તો જ આપણું શહેર પ્રગતિના પંથે ચડી શકશે.
પહેલા જ વરસાદે ઘરમાં પાણી ઘુસી જાય છે: હંસાબેન
‘અબતક’ સાથેની વાતચિતમાં હંસાબેન ધમ્મરએ જણાવ્યું હતું કે ચોમાસાનાં પહેલાં વરસાદમાં જ ઘરમાં પાણી ઘુસી જાય છે. આ ઉપરાંત સરકારી ટોયલેટમાં દારૂ સંતાડવામાં આવે છે. અમારા દીકરા-દીકરીઓને દારૂ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સફાઇ, સિક્યુરિટી કશું જ આ વિસ્તારમાં જોવા મળતું નથી. પાંચ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નથી આવ્યો. સરકાર અમારા પૈસાનો બેફામ ઉપયોગ કરી રહી છે. પ્રજાની સુરક્ષાથી કોઇ લેવા-દેવા નથી એવું લાગી રહ્યું છે.
વોર્ડ નં.1 જાણે ગંદકીના ગજ સમાન: સહદેવ સરવૈયા
‘અબતક’ સાથેની વાતચિતમાં સહદેવ સરવૈયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 17-18 વર્ષથી વોર્ડ નં.1માં વસવાટ કરૂ છું. ‘મેયર તમારે આંગણે’ કાર્યક્રમ સરાહનીય છે. પરંતુ અમે અહીં વર્ષોથી ગંદકીના ગંજ જોઇ રહ્યા છીએ. અવાર-નવાર અહીં રોડને ખોદવામાં આવે છે. પરંતુ રસ્તાની પરિસ્થિતિએ જ રહે છે. રૈયાધાર પર બિનઅધિકૃત બાંધકામ તથા અન્ય લોકોની મીલીભગત હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ કાર્યક્રમ થકી લોકોને ફાયદો થાયએ જોવાનું રહ્યું તથા પ્રજાના પૈસાનું પાણી ન થાય એ માટે કોર્પોરેશન દ્વારા કામગીરી થાય એવી રહેવાસીઓની રજૂઆત છે.