મેયર ડો.પ્રદિપ ડવે કંટ્રોલરૂમનો હવાલો સંભાળ્યો, ઇમરજન્સી કોલ પણ રિસીંવ કર્યા: ડેપ્યૂટી મેયર પણ વોર્ડમાં ફરતા રહ્યા
રાજકોટમાં ગઇકાલે મધરાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં શહેરમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પ્રજાને હાલાકી વેઠવી ન પડે તે માટે આજે સવારથી મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ભાજપ, કોંગ્રેસ અને આપના કોર્પોરેટરો તથા કાર્યકરો સતત પ્રજાની વચ્ચે છે. શક્ય તેટલી ઓછી હાલાકી પડે તે માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
મેયર ડો.પ્રદિપ ડવ આજે વહેલી સવારથી ફિલ્ડમાં નીકળી ગયા હતા. તેઓએ લલુડી વોંકળી વિસ્તારમાં કેડસમા પાણીમાં ઉતર્યાં હતા અને લોકોને મદદરૂપ થયા હતા. ચાલુ વરસાદે તેઓ કનક રોડ ફાયર સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તેઓની સાથે વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુક્લ પણ જોડાયા હતા. ફાયર કંટ્રોલરૂમ ખાતે ઇમરજન્સી ફોન પણ રિસીંવ કર્યાં હતા. લોકોને ફોન પર મદદ પણ મદદ કરતા રહ્યા હતા. દરમિયાન ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહે પણ જ્યુબિલી સ્થિત કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયા સહિતની ફરિયાદો જાણી હતી અને તેઓ તાત્કાલીક નિવેડો આવે તે માટે તંત્રને તાકીદ કરી હતી. વોર્ડ નં.14ની હાલત સૌથી વિકટ છે. લલુડી વોંકળીમાં કેડસમા પાણી ભરાયા હતા. આવામાં સ્થળાંતરની કામગીરીમાં ખૂદ ભાજપના કોર્પોરેટર નિલેશ જલુ જોડાઇ ગયા હતા. વોર્ડ નં.15માં કોર્પોરેટર વશરામ સાગઠીયા સતત ફિલ્ડમાં રહ્યા હતા. વિજયનગર, રામનગર, સર્વોદય સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તેઓએ તાત્કાલીક પાણી નિકાલની વ્યવસ્થા કરાવી હતી. વોર્ડ નં.7માં રામનાથપરા મેઇન રોડ પર બાવાજી રાજ રોડ પર ત્રણ ફૂટનો મહાકાય ખાડો પડી ગયો હતો. રણજીત મુંધવા સહિતના કોંગ્રેસના કાર્યકરો અહીં દોડી ગયા હતા.