મચ્છરની ઉત્પતિ સબબ શહેર આખાને નોટિસ ફટકારતી આરોગ્ય શાખા મેયરને ‘ઠપકો’ આપશે ?
સતત વાદળ છાંયા વાતાવરણના કારણે શહેરમાં સ્વાઈન ફલુ સાથે મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના રોગચાળાએ માથુ ઉંચકયું છે. જેને નાથવામાં મહાપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. શહેર આખાને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી આરોગ્ય શાખા દ્વારા દંડ વસુલ કરવામાં આવે છે. બીજી તરફ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી મેયર ચેમ્બરમાં જ ડાઘીયા મચ્છરોનો બેફામ ઉપદ્રવ વધી રહ્યો છે. એન્ટી ચેમ્બરમાં તો થોડીવાર બેસી પણ ન શકાય તેટલી હદે મચ્છરનો ત્રાસ વર્તાઈ રહ્યો છે.એક તરફ મહાપાલિકાનું તંત્ર શહેરીજનોને ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગચાળાથી બચવા માટે મચ્છરનો ઉપદ્રવ કેમ ઓછો કરવો તેવી સુફિયાણી સલાહ આપી રહ્યું છે તો બીજી તરફ મહાપાલિકાના બંધારણીય હોદ્દાના વડા એવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની ચેમ્બરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. મચ્છરોના ત્રાસથી મેયર ચેમ્બરનો સ્ટાફ પણ તોબા પોકારી ગયો હોય તેમ ચેમ્બરમાં મચ્છર મારવા માટે મેયર ચેમ્બરમાં સતત દવાનો છંટકાવ કરવો પડે છે. મેયર ચેમ્બરમાં આવેલી એન્ટી ચેમ્બર કે જયાં અગત્યની મીટીંગો યોજાતી હોય છે ત્યાં તો ઘડીભર પણ ન બેસી શકાય તેટલી હદે મચ્છરનો ત્રાસ વધી ગયો છે. જો અહીં દવાનો છંટકાવ કરવામાં ન આવે તો ડાઘીયા મચ્છરો વ્યક્તિને આખે-આખા ખાઈ જાય તેટલી હદે ત્રાસ વર્તાઈ રહ્યો છે. સામાન્ય રીતે મહાપાલિકાનું તંત્ર ફ્રિઝનું પાણી સમયાંતરે નિકાલ કરવાની સલાહ આપી રહ્યું છે પણ મેયર ચેમ્બરનું ફ્રિઝ સમયસર સાફ ન થતું હોવાની શંકા સેવાઈ રહી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન ડેન્ગ્યુના મચ્છરો કરડતા હોય છે. મેયર ચેમ્બરમાં જે મચ્છરો હાહાકાર મચાવી રહ્યાં છે તે ડેન્ગ્યુના હોવાની સંભાવના પણ નકારી શકાતી નથી.આખા શહેરને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી દંડ વસુલ કરતી આરોગ્ય શાખા મેયરને ઠપકો આપવાની હિમ્મત કરશે ખરી તેવી ચર્ચા પણ મહાપાલિકાની લોબીમાં થઈ રહી છે.