- “લોક દરબાર” થકી પ્રજાકીય પ્રશ્ર્નોનો હકારાત્મક ઉકેલ લાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે
- વોર્ડના નાગરિકો પોતાના વોર્ડને લગતા પ્રશ્ર્નો, રજુઆત, ફરિયાદ અને સૂચન રજુ કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્ર્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડ વાઈઝ મેયર તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22 જુલાઇથી તા.13 ઓગસ્ટ દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કર્યું છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ર્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.
આ “લોક દરબાર” સફળ આયોજન માટે અને વધુને વધુ નાગરિકો લાભ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.
મેયરે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2005થી આ લોક દરબાર કાર્યક્રમો કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સહયોગથી કામગીરી કરવાથી આ કાર્યક્રમોમાં લોકોની ફરિયાદોનું ત્વરિત અને સમયમર્યાદામાં નિવારણ થાય તે મુજબ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
મીટિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ સમગ્ર “લોક દરબાર” આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સવારે 09:00થી 11:00 દરમ્યાન સંબંધિત વોર્ડના વોર્ડ ઓફિસરોએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવાનું રહેશે. નાગરિકો દ્વારા રજુ થયેલ નીતિવિષયક બાબતોની નોંધ કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ લગત ફરિયાદોનું નિયમિતપણે ફોલો-અપ લેવાનું રહેશે.
મ્યુનિસિપલ કમિશનરએ મીટિંગમાં ઉપસ્થિત અધિકારીઓ-કર્મચારીઓને જણાવ્યું હતું કે, લોક દરબારમાં ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાના સેવા લગત પ્રશ્નો તેમજ વ્યવસ્થાપન લગત પ્રશ્નો અને સામુહિક સાર્વત્રિક વિકાસ લગત પ્રશ્ર્નોની આ કાર્યક્રમમાં નોંધ કરી, તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે મુજબનું સુચારૂ આયોજન છે.
તા.22 જુલાઇ થી તા.13 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર આ “લોક દરબાર” રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, લગત વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહી નાગરિકો તરફથી રજુ થયેલ રજુઆતો, પ્રશ્ર્નો, ફરિયાદોને રૂબરૂ સાંભળશે અને રાજકોટ મહાનગરપાલિકાના લગત ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર, વિવિધ શાખાના અધિકારીઓ, વોર્ડ એન્જી.ઓ, વોર્ડ ઓફિસરો દ્વારા નાગરિકોના રજુ થયેલ રજુઆતો, પ્રશ્ર્નો, ફરિયાદોનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
વોર્ડ નં.1માં લોક દરબારના સ્થળની મૂલાકાત લેતા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરૂભા
“મેયર તમારા દ્વારે” દરબાર)નો આગામી સોમવારના રોજ સવારે 09:00 કલાકે વોર્ડ નં.1માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.3ના ખૂણે, સ્ટરલિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતેથી શુભારંભ કરવામાં આવશે. “મેયર તમારા દ્વારે” (લોક દરબાર)ના સફળ આયોજન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ-કર્મચારીઓ તથા સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી વોર્ડ નં.1ના સ્થળ ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને મંડપ, ખુરશીઓ, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી,
પત્રિકા વિતરણ સહિતની તમામ કામગીરી તેમજ અન્ય આનુષાંગિક બાબતોનું રીવ્યુ કરવામાં આવેલ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આ સ્થળ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ડો.અલ્પેશભાઈ મોરજરીયા, વોર્ડ નં.1ના પ્રમુખ કાનાભાઈ સતવારા, બક્ષીપંચ મોરચા પ્રમુખ લલિતભાઈ વાડોલીયા, જયદિપસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર ધીરેન કાપડીયા, મેનેજર કૌશિક ઉનાવા, ઈ.ચા. મેનેજર ફાલ્ગુની કલ્યાણી, વોર્ડ ઓફિસર મહેશ મૂલિયાણા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ધરમનગર કો.ઓપ.હા.સોસા.ના પ્રમુખ અશોકસિંહ, કાર્યકર અવીભાઈ મકવાણા, ગઢવીભાઈ, વોર્ડના આગેવાનો તથા વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા.
“મેયર તમારા દ્વારે” કાર્યક્રમની રૂપરેખા