બે વર્ષના કાર્યકાળમાં ૮૬૭ ઠરાવો મંજૂર કરી અબજો રૂપિયાના વિકાસ કામોને આપી બહાલી: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે રાજકોટની નામના પણ આસમાને આંબી
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકાની વર્તમાન બોડીની બીજી ટર્મના પદાધિકારીઓએ આજે પોતાના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે. આ બે વર્ષમાં વિકાસનો એક નવો જ અધ્યાય આરંભાયો હોય તેવું શહેરીજનોએ મહેસુસ કર્યું છે. ૮૬૭ ઠરાવો મંજૂર કરી અબજો રૂપિયાના વિકાસકામોને બહાલી આપવામાં આવી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાજકોટની નામના આસમાને આંબી છે.
સ્માર્ટ સિટી રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આ તકે જણાવ્યું હતું કે, “જ્યાં માનવી, ત્યાં સુવિધાના અભિગમ સાથે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિતપણે મળે તેની સાથોસાથ ટેકનોલોજી અને સાયન્સ આધારિત અભૂતપૂર્વ પરિવર્તન સાથે કદમ મિલાવી નાગરિકોને અત્યાધુનિક સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવા માટે પણ એટલી જ ગંભીરતાથી પ્રયત્નો કર્યા છે.
શાસકોએ જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોની સૂચિમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે તો તેમાં, શહેરી વિકાસ માટેની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. માત્ર એટલું જ નહી, વિકાસ યાત્રાનો પથ પણ ભાવી પેઢીને નજર સમક્ષ રાખીને સુનિશ્ચિત કરાય છે. ગુજરાતના ચાર મહાનગરો પૈકી રંગીલા રાજકોટની સાંસ્કૃતિક-સામાજીક ઓળખને બરકરાર રાખી ભૌતિક અને આર્થિક વિકાસને વેગ આપવા રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સતત ગ્રાન્ટ મળતી રહે છે. શહેરની વિકાસ યાત્રા આગળ વધારવા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, તથા કોર્પોરેટરો, અધિકારીઓ, શહેરની સામાજીક સંસ્થાઓ અને શહેરીજનોનો ખૂબ જ સહકાર મળતો રહ્યો છે.
અમોને આનંદ છે કે, સૌની યોજના હેઠળ રાજકોટ શહેરને પીવું પાણી પૂરું પાડતા જળાશયો આજી-૧, ન્યારી-૧ અને ભાદરને નર્મદા સાથે જોડી નર્મદાના નીર પહોંચતા કરેલ છે. જેનો પુરેપુરો યશ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફાળે જાય છે. રાજકોટ શહેરની પાણી સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે. જયારે જયારે પાણીની જરૂરીયાત ઊભી થાય ત્યારે જળાશયોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની સાથોસાથ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારશ્રી તેમજ ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા શહેરમાં નવા બ્રિજ બનાવવા, અર્બન ફોરેસ્ટના વિકાસ માટે કે રસ્તાના કામો સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સતત ગ્રાન્ટ મળતી રહી છે. છેલ્લા બે વર્ષ એટલે કે સને ૨૦૧૮-૧૯ ને ૨૦૧૯-૨૦ દરમ્યાન નીચેની વિગતે માતબર રકમ મળેલ છે. જે બદલ રાજ્ય સરકારશ્રીનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.