રાજકોટમાં બીજી અઢી વર્ષની ટર્મ માટે મહિલા ઉમેદવાર માટે મેયર પદ અનામત: રાજ્યની છ મહાપાલિકા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા અનામતનું રોટેશન જાહેર થતાંની સાથે જ અનેકના સપના રોળાયા તો કેટલાંકને અભરખા ફૂટ્યા

આવતા સપ્તાહે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે અનામતનું રોટેશન જાહેર કરાશે

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે અને ૨૩મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા છ કોર્પોરેશનના મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ અને બીજા અઢી વર્ષ માટે રીઝર્વેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ત્રણ મહાપાલિકાઓની ચર્ચા કરવામાં આવે તો રાજકોટમાં પ્રથમ અઢી વર્ષની મેયરની ટર્મ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે તો ભાવનગર અને જામનગરમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત કરવામાં આવી છે. મેયર પદ માટે રોટેશન જાહેર થતાં કેટલાંક ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સપના રાતો રાત રોળાયા છે તો કેટલાંક નવાણીયાને અભરખા પણ ફૂટ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ પદ માટે આવતા સપ્તાહે રોટેશન જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મેયર અને પંચાયત તથા પાલિકા પ્રમુખ માટે રોટેશનની જાહેરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા કરી દેવામાં આવતી હોય છે. જેના આધારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરતા હોય છે પરંતુ આ વર્ષે રોટેશન જાહેર કરવામાં થોડો સમય લેવામાં આવ્યો છે. ગત મોડી સાંજે રાજ્યની છ મહાપાલિકા માટે મેયર પદના રીઝર્વેશનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં મેયર પદ સામાન્ય હતુ જેમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય કેટેગરીના પુરૂષ ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને મેયર બનાવવા સામે કોઈ અનામતની અડચણ નડતી ન હતી. છતાં ૧૫ વર્ષમાં છ મેયર બદલાયા તેમાં એક વખત ભાજપે ઓબીસી સમાજને મેયર પદ આપ્યું હતું. કાલે રાજ્યની છ મહાપાલિકા માટે મેયર રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજી અઢી વર્ષની ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર કરાઈ છે. એટલે પ્રથમ અઢી વર્ષ મેયર પદે કોઈ ઓબીસી સમાજના ચૂંટાયેલા નગરસેવકની મેયર તરીકે વરણી કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. હાલ બન્ને પક્ષોમાં ૧૦ થી પણ વધુ દાવેદારો છે. જેને બહુમતિ મળશે તે મેયર નક્કી કરશે. ભાવનગર મહાપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મેયરની ટર્મ મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજા અઢી વર્ષ માટે ઓબીસી અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે જામનગર મહાપાલિકામાં પ્રથમ અઢી વર્ષ ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે જ્યારે બીજા અઢી વર્ષની ટર્મ એસસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર ટર્મ એસસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત રહેશે જ્યારે બીજા અઢી વર્ષની ટર્મ મહિલા અનામત રહેશે. સુરતમાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે મહિલા ઉમેદવાર સત્તારૂઢ થશે જ્યારે બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત રાખવામાં આવી છે. જેમાં પુરૂષ કે મહિલા ગમે તેને મેયર પદે બેસાડી શકાશે. જ્યારે વડોદરામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ મેયર માટે જનરલ કેટેગરી જાહેર કરવામાં આવી છે જ્યારે બીજા અઢી વર્ષની ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.

રાજકોટમાં દોઢ દાયકા બાદ અર્થાંત ૨૦૦૫ પછી કોઈ કેટેગરી માટે મેયર પદમાં અનામત આવી છે નહીંતર છેલ્લી ત્રણ ટર્મથી પ્રથમ અઢી વર્ષ પુરૂષ અને બીજા અઢી વર્ષ મહિલા રહેતા હતા જેમાં સામાન્ય કેટેગરીમાં ચૂંટાયેલા ઉમેદવાર રહેતા હતા. ૧૫ વર્ષ બાદ રાજકોટ માટે મેયર પદ અનામત જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે ૬ મહાપાલિકા માટે મેયર રોટેશન જાહેર કરાયું છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને બીજી માર્ચે મત ગણતરી હાથ ધરાવાની છે ત્યારે આવતા સપ્તાહે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ માટે પણ રોટેશનની સત્તાવાર ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. મેયર પદ માટે રીઝર્વેશન જાહેર થતાંની સાથે જ અનેક લોકોના સપના રાતો રાત રોળાઈ ગયા છે તો પ્રથમ વાર ચૂંટણી લડી રહેલા ઓબીસી કેટેગરીમાં આવતા કેટલાંક ઉમેદવારોના મનમાં નવા અભરખા પણ જાગ્યા છે. હાલ બન્ને પક્ષોમાં મેયર પદના અનેક દાવેદારો છે પરંતુ પ્રજા જેને જનાદેશ આપશે તે પક્ષમાંથી મેયર બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.