ડો.અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ, નિલેશ જલુ, નરેન્દ્ર ડવ, બાબુભાઈ ઉધરેજા, હિરેન ખીમાણીયા, ભાવેશ દેથરીયા, જીતુ કાટોળીયા, રવજીભાઈ મકવાણા ઉપરાંત ઓબીસી સમાજમાંથી ૧૧ મહિલાઓ પણ કમળના પ્રતિક પર બની છે વિજેતા: જે બની શકે છે રાજકોટના પ્રથમ નાગરિક
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન માટે દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પાંભર, નેહલ શુકલ, જયમીન ઠાકર અને મનીષ રાડીયાના નામોની ચર્ચા: ડે.મેયર પદ માટે ભાનુબેન બાબરીયા, ડો.દર્શનાબેન પંડ્યા, ડો. દર્શિતાબેન શાહ, નરેન્દ્રસિંહ જાડેજા અને વિનુભાઈ ધવાના ચર્ચાતા નામો
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક ૬૮ બેઠકો પ્રાપ્ત થઈ છે. આગામી સોમવારે ચૂંટાયેલા નગરસેવકોના નામ સરકારી ગેજેટમાં પ્રસિધ્ધ થયા બાદ મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટે.કમીટીના ૧૨ સભ્યોની વરણી માટે મ્યુનિ. કમિશનર દ્વારા બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષના ટર્મ ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. કમળના પ્રતિક પરથી શહેરના અલગ અલગ વોર્ડમાંથી ૧૦ પુરૂષો અને ૧૧ મહિલાઓ સહિત કુલ ૨૧ ઉમેદવારો નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેમાંથી કોઈ એક રાજકોટના પ્રથમ નાગરિક બનશે. જો કે, પાછલા અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત હોવાના કારણે પ્રથમ અઢી વર્ષ ભાજપ મેયર પદની ખુરશી ઓબીસી સમાજના પુરૂષ ઉમેદવારને આપે તે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આવામાં હાલ મેયર પદ માટે કુલ ૧૦ દાવેદારો મેદાનમાં છે. જ્યારે સ્ટે.કમીટીના ચેરમેન અને ડે.મેયરની ખુરશી માટે એકાદ ડઝન નામની ચર્ચા ચાલી રહી છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાપાલિકાની ચૂંટણીના મતદાન પૂર્વે રાજ્યની તમામ છ મહાનગરપાલિકા માટે અઢી-અઢી વર્ષની બે ટર્મ માટે મેયરનું રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરીમાંથી ચૂંટાયેલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. ભાજપ ૬૮ બેઠકો સાથે વિજેતા બન્યું છે. આવામાં શહેરના અલગ અલગ વોર્ડમાં ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડી રહેલા ઓબીસી સમાજના કુલ ૨૧ ઉમેદવારો વિજેતા બની નગરસેવક તરીકે ચૂંટાયા છે. જેમાં ૧૧ મહિલાઓના પણ સમાવેશ થાય છે. પાછલા અઢી વર્ષની ટર્મ મહિલા અનામત હોવાના કારણે પ્રથમ અઢી વર્ષ પુરૂષ ઉમેદવારને મેયર બનાવવામાં આવશે. આવામાં ઓબીસી સમાજમાંથી ચૂંટાયેલી ૧૧ મહિલાઓના નામ આપો આપ સાઈડલાઈન થઈ જાય છે. જ્યારે નગરસેવક તરીકે ઓબીસી સમાજમાંથી હિરેન ખીમાણી, ડો.અલ્પેશ મોરજરીયા,બાબુભાઈ ઉધરેજા, કાળુભાઈ કુગસીયા, ભાવેશ દેથરીયા, જીતુભાઈ કાટોળીયા, પ્રદિપભાઈ ડવ, નિલેશભાઈ જલુ, નરેન્દ્રભાઈ ડવ અને રવજીભાઈ મકવાણાના નામો ચર્ચાઈ રહ્યાં છે.
સ્થાનિક સંકલન સમીતી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મેયર પદ માટે ૩ નામોની પેનલ રજૂ કરવામાં આવે તો તેમાં ડો.અલ્પેશ મોરજરીયા, પ્રદિપ ડવ અને બાબુભાઈ ઉધરેજાના નામ મુકાઈ તેવી શકયતા હાલ જણાય રહી છે. રાજકોટના નવા મેયર તરીકે ડો.અલ્પેશભાઈ મોરજરીયા પર પસંદગીનું કળશ ઢોળવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. તેઓ વ્યવસાયે ડોકટર હોવા ઉપરાંત એક બિન વિવાદાસ્પદ અને યુવા ચહેરો છે. એટલું જ નહીં અત્યાર સુધી પ્રજાપતિ સમાજની ભાજપ દ્વારા ક્યારેય મોટુ કદ આપવામાં આવ્યું નથી. આવામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાને રાખી પ્રજાપતિ સમાજ રાજ્યભરમાં સચવાઈ જાય તેને રાખી અલ્પેશભાઈ પર પસંદગીનું કળશ ઢોળાઈ તેવી શકયતા છે. બીજુ સૌથી હોટ ફેવરીટ નામ પ્રદિપ ડવનું છે. જો કોળી સમાજને સાચવી લેવાની વાત આવે તો બાબુ ઉધરેજાની પણ પસંદગી થઈ શકે તેમ છે.
મેયર પદે જે પણ આવશે તે તદન બિનઅનુભવી હશે તે વાત ફાઈનલ છે. આવામાં મહાપાલિકામાં સૌથી કદાવર અને મહત્વની ગણાતી સ્ટે.કમીટીના ચેરમેન પદે અનુભવી ચહેરો મુકવામાં આવશે. સ્ટે.કમીટીના ચેરમેન માટે હાલ સૌથી હોટ ફેવરીટ નામ દેવાંગભાઈ માંકડનું ચાલી રહ્યું છે. તેઓ અગાઉ એક ટર્મ નગરસેવક રહી ચૂક્યા છે. આ ઉપરાંત શિક્ષણ સમીતીના ચેરમેન તરીકે પણ તેઓએ પાંચ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે અને એક ટર્મ શહેર ભાજપ મહામંત્રી તરીકે રહ્યાં બાદ ફરી તેમને મહામંત્રી પદે રીપીટ કરવામાં આવ્યા હતા. તેમને પક્ષ દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનની જવાબદારી સોંપાય તેવું હાલ લાગી રહ્યું છે. આ ઉપરાંત ગત ટર્મમાં અઢી વર્ષ સુધી સ્ટે.ચેરમેન રહેલા પુષ્કરભાઈ પટેલનું નામ પણ ચર્ચામાં છે. જ્યારે મનિષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, અશ્ર્વિનભાઈ પાંભર અને નેહલભાઈ શુકલના નામો પણ ચેરમેન તરીકે હાલ ચર્ચાઈ રહ્યાં છે. ડે.મેયર પદ માટે પણ અડધો ડઝન નામ ચર્ચામાં છે. મેયર અને સ્ટે.કમીટીના ચેરમેન પદે પુરૂષ ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર હોય ડે.મેયર પદ કોઈ મહિલાને આપવામાં આવે તેવું હાલ દેખાઈ રહ્યું છે. જેના માટે વોર્ડ નં.૧માંથી ચૂંટાયેલા અને અગાઉ બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરીયાનું નામ ચાલી રહ્યું છે. જો કે અલ્પેશભાઈ મોરજરીયાને મેયર બનાવવામાં આવે તો એક જ વોર્ડમાંથી ડે.મેયરને ન બનાવાય તે જોતા ડો.દર્શનાબેન પંડ્યા અને ડો.દર્શિતાબેન શાહના નામો ચાલી રહ્યાં છે. જો ડે.મેયર પદ પણ પુરૂષ ઉમેદવારને આપવાનું નક્કી કરાય તો આ માટે પૂર્વ ડે.મેયર વિનુભાઈ ધવા, મનિષભાઈ રાડીયા અને વોર્ડ નં.૩માં કોંગ્રેસનો સફાયો કરી દેનાર નરેન્દ્રસિંહ જાડેજાનું નામ ફાઈનલ કરાય તેવું લાગી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર દોઢ વર્ષનો જ સમયગાળો બાકી રહ્યો છે. આવામાં રાજકોટ સહિત રાજ્યની તમામ છ મહાપાલિકામાં ભાજપ દ્વારા જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાને રાખી પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે તે ફાઈનલ છે. પદાધિકારીને વિધાનસભાની ચૂંટણીમાં પણ ચહેરા તરીકે આગળ કરવાનો હોય તમામ સમાજ સચવાય જાય તે રીતે નિમણૂંક કરવામાં આવશે. શાસક પક્ષના નેતા અને દંડક તરીકે નવા ચહેરાઓને તક આપવામાં આવશે.