વોર્ડ નં.૯ પાણી…પાણી…: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પુષ્કર પટેલ સહિતનાઓએ લોકોની ફરિયાદોનો કર્યો નિકાલ: પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે હાથમાં કુહાડી લઈ ઝાડ કાપી રસ્તા કિલયર કરાવ્યા
રાજકોટ શહેરમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદમાં લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકો, ભાજપનાં અગ્રણીઓ સવારથી ફિલ્ડમાં નિકળી ગયા છે. ભંડેરી અને ભારદ્વાજે જયુબેલી સ્થિત કંટ્રોલરૂમનો હવાલો સંભાળી લીધો હતો જયાં નોંધાતી ફરિયાદોનો તત્કાલ નિવેડો લાવવામાં આવ્યો હતો. વોર્ડ નં.૯માં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પુષ્કર પટેલ સહિતનાઓ સવારથી પોતાનાં વોર્ડમાં નિકળી ગયા હતા અને લોકોની ફરિયાદનો નિકાલ કરાવ્યો હતો. પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય આજે સવારે તબીબી સાધનોને બાજુમાં રાખી હાથમાં કુહાડી પકડી ઝાડ કાપી રસ્તો કિલયર કરાવ્યો હતો. કોંગ્રેસનાં કોર્પોરેટરો પણ સતત પ્રજાની પડખે ઉભા રહ્યા હતા. ભારે વરસાદમાં લોકોને શકય તેટલી ઓછી હાલાકી ભોગવવી પડે તે માટે તંત્ર રીતસર ખંભેખંભા મિલાવી કામે લાગી ગયું હતું.
ગઈકાલ રાતથી શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે બપોર સુધીમાં અનરાધાર ૧૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સવારથી ફિલ્ડમાં નિકળી ગયા હતા અને નિચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોનાં સ્થળાંતરની વ્યવસ્થા કરી હતી. શહેરનાં અમુક રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો જે તેઓએ કિલયર કરાવ્યો હતો. સાથો સાથ પાણી ભરાવવાની ફરિયાદનો નિકાલ કરાવ્યો હતો. મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે સવારથી જયુબેલી સ્થિત કંટ્રોલરૂમનો હવાલો સંભાળ્યો હતો અને નોંધાતી ફરિયાદોનો તત્કાલ નિકાલ કરાવ્યો હતો. વરસાદની ગતિ થોડી ઓછી થતાની સાથે જ મેયર અને ભાજપ અગ્રણીઓ પોતાનાં વિસ્તારમાં ફેરણીમાં નિકળી ગયા હતા. બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષ રાડીયા પણ ખડેપગે રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ નાનામવા સર્કલ ખાતે આવેલા કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમની મુલાકાત લઈ શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લલુડી વોકળીમાં સવારથી પાણી ભરાતા પૂર્વ મેયર જયમીનભાઈ ઉપાધ્યાય અને સંગઠનનાં હોદેદારો બપોર સુધી સતત વિસ્તારમાં રહ્યા હતા અને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. અહીં રોડ પર એક વૃક્ષ ધરાશાયી થઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. પૂર્વ મેયર ડો.જયમીન ઉપાધ્યાયે હાથમાં કુહાડી લઈ વૃક્ષ કાપીને રસ્તો કિલયર કરાવ્યો હતો.
શહેરનાં વેસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. વોર્ડ નં.૯માં આજે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ ફેરણીમાં નિકળી ગયા હતા અને તેઓએ તાત્કાલિક પાણી ભરાવવાની ફરિયાદનો નિકાલ કરવાની કામગીરી હાથ પર લીધી હતી. ભારે વરસાદનાં કારણે ગુરુજીનગર આવાસ યોજનાથી સાધુ વાસવાણી તરફ જતો રૈયા રોડ બંધ થઈ ગયો હતો. અહીં મોટરકાર પણ નિકળી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય હતી. પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ પણ પોતાનાં વિસ્તારમાં જઈ લોકોને સલામત સ્થળે ખસેડયા હતા અને તેઓનાં જમવા માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરી હતી. વિપક્ષી નેતા વશરામ સાગઠીયા પણ જયુબેલી સ્થિત કંટ્રોલરૂમ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ફરિયાદોનાં ઝડપી નિકાલ માટેની કામગીરી કરાવી હતી. વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે પણ પોતાનાં વિસ્તારમાં ફેરણી કરી હતી અને લોકોની સમસ્યા હલ કરવા માટેનાં પ્રયાસો હાથ ધર્યા હતા.