હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે,ત્યારે રાજકોટમાં ગત મધ રાતે અનાધાર વરસાદ પડ્યો.ઝાપટાથી લઇ આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના અનેક વિસ્તારો જળમગ્ન થાય ગયા છે,ત્યારે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ જળમગ્ન થયેલા વિસ્તારોની તપાસ કરવા પોતે તે વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકના સમયમાં રાજકોટ સિટીમાં 3॥ ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુર અને પડધરીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ જિલ્લામાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. જિલ્લાના અનેક જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. શહેરની ભાગોળે આવેલું લાલપરી તળાવ પણ ઓવર ફ્લો થઇ ચુક્યું છે. ન્યારી-2 ડેમના ચાર દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યારે 6 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે.