બીનાબેન આચાર્ય પુત્રી અને પુત્રને મળવા એક મહિના માટે અમેરિકા જશે: મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ ગોધરા ગયા
દિવાળીનાં તહેવારોનાં આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓમાં અત્યારથી જ ફેસ્ટીવલ મુડ દેખાઈ રહ્યો છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ ૨૫મી સુધી રજા પર છે. તેઓ ગોધરા ખાતે સામાન લેવા માટે ગયા છે. નવા વર્ષનાં આરંભે જ શહેરનાં પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય પોતાનાં પુત્રી અને પુત્રને મળવા માટે અમેરિકા પ્રવાસે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષે દિવાળીનાં તહેવારમાં સળંગ ૬ રજાઓ આવતી હોય પદાધિકારીઓ અને અધિકારીઓએ બહાર ફરવા જવા માટેનો પ્લાન બનાવી લીધો છે.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની તાજેતરમાં ગોધરાથી રાજકોટ ખાતે બદલી થઈ છે. તત્કાલીન મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ હજી સુધી બંગલો ખાલી કર્યો ન હોવાનાં કારણે ઉદિત અગ્રવાલ પીજીવીસીએલનાં એમ.ડી.નાં બંગલે વસવાટ કરી રહ્યા છે. ગોધરાથી સામાન લાવવા માટે તેઓ ૪ દિવસ સુધી રજા પર ઉતરી ગયા છે.
૨૬મીએ ચોથા શનિવારની રજા છે અને ત્યારબાદ સળંગ પાંચ દિવસ દિવાળીની રજા હોવાનાં કારણે હવે કમિશનર દિવાળીનાં તહેવાર પછી જ હાજર થશે. આગામી ૧લી નવેમ્બરનાં રોજ કોર્પોરેશન દ્વારા પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓનું સ્નેહમિલન ગોઠવવામાં આવ્યું છે જેમાં સામેલ થયા બાદ મેયર બીનાબેન આચાર્ય બીજી ઓકટોબરથી એકાદ મહિના માટે અમેરિકા પ્રવાસે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેયરની પુત્રી અને પુત્ર બંને અમેરિકામાં અલગ-અલગ રાજયમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ પોતાની પુત્રી અને પુત્રને મળવા માટે પતિ સાથે અમેરિકાનાં પ્રવાસે જઈ રહ્યા છે. તેઓની ગેરહાજરીમાં કાર્યકારી મેયર તરીકેનો કાર્યભાર ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા સંભાળશે.
ડિસેમ્બર માસમાં મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે તે પૂર્વે મેયર બીનાબેન આચાર્ય અમેરિકાથી પરત આવી જશે. દિવાળીનાં આડે હજી પાંચ દિવસ બાકી હોવા છતાં સરકારી કચેરીઓમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ સીએલ મુકી દીધી છે.
અરજદારોનો ધસારો પણ ઓછો થઈ ગયો છે.