6 મહાપાલિકાઓમાં કોર્પોરેટરોના નામ ગેઝેટમાં આવી ગયા બાદ મેયર સહિતના નવા પદાધિકારીઓની વરણીની તૈયારી શરૂ થઇ ગઇ છે. શાસક પક્ષની પરંપરા મુજબ આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને મળનારા પાર્લામેન્ટ્રી બોર્ડમાં છએ છ મહાનગરના નવા સુકાનીઓ નકકી થઇ જશે.
આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ મળવાનું છે તેમાં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરાના પદાધિકારીઓ પસંદ કરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને બોર્ડના સભ્યોની હાજરીમાં ચર્ચા કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા તમામ ચૂંટાયેલા 68 કોર્પોરેટરોનો બાયોટેડા પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા છે. બાદમાં બોર્ડમાં આગળની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોણ હોદ્દેદારો બનશે તેના ઉપર આતુરતાથી મીટ મંડાયેલી હતી. હવે ઘણા દિવસોથી જોવાઇ રહેલી રાહ અંતે પૂર્ણ થશે અને હોદ્દેદારોના નામો જાહેર થશે. આજે સાંજે પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી કરીને જાહેર પણ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.