રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવનાર છે. આ યોજના બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે. કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના ખૂબ જ સરાહનીય છે. મહિલા જૂથને ૧ લાખ રૂપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવાના યોજનાના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. કોરોના મહામારી બાદ મહિલાઓ પોતાના ઘર પરિવારનો આર્થિક આધાર બની શકે તથા કોરોના પછીની બદલાયેલી સામાજીક-આર્થિક નવી જીવનશૈલીમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવી રાજ્ય સરકારે નેમ રાખેલી છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે.