સવારે વિજય પ્લોટ શેરી નં.૧૫માં દિવાલ ધરાશાય: રાત્રે અનરાધાર વરસાદ બાદ સવારે પાણી ઓસરી જતા હાશકારો
રાજકોટમાં ગઈકાલે રાત્રે અનરાધાર સાડા સાત ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. પરિસ્થિતિનો તાગ મેળવી મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની મોડીરાત સુધી ફિલ્ડમાં રહ્યા હતા અને શહેરીજનોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે તંત્રને કામે લગાવી દીધું હતું. ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર પડેલા ખાડા પુરવા માટે આજે સવારથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગઈકાલે રાત્રે પડેલા અનરાધાર વરસાદના કારણે ગોઠણડુબ પાણી ભરાયા હતા. મહાપાલિકાના ચોપડે શહેરમાં ૧૩ સ્થળે પાણી ભરાયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. ભારે વરસાદમાં શહેરમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ફિલ્ડમાં નીકળી ગયા હતા. તેઓ જયુબેલી સ્થિતિ મહાપાલિકાના ફર્લ્ડ કંટ્રોલ રૂમ તથા અલગ-અલગ ફાયર સ્ટેશનોની મુલાકાત લીધી હતી.
નીચાણવાળા વિસ્તારોમાં તેઓએ રાઉન્ડ લગાવાયા હતા. સલામતીના ભાગપે મહિલા કોલેજ અંડરબ્રીજ, રેલનગર અંડરબ્રીજ, પોપટપરા અને લક્ષ્મીનગરનું નાલુ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે મોડીરાત્રે વરસાદે વિરામ લેતા આજે સવારે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદના પાણી ઓસરી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આજે સવારે વોર્ડ નં.૭માં વિજય પ્લોટ શેરી નં.૧૫માં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જોકે કોઈ જાનહાની થવા પામી નથી. બીજી તરફ ગઈકાલે ભારે વરસાદ બાદ રાજમાર્ગો પર પડેલા ખાડાઓ બુરવા માટે આજે સવારથી ખાડાઓમાં મોરમ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીગબજાર પાસે અને વોર્ડ નં.૯માં ગણેશ પાર્ક વિસ્તારમાં મોરમ પાથરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.