આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે જેની તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે તેવું ચોક્કસ કહી શકાય ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે બહુજન સમાજ પાર્ટી વડા માયાવતીએ મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયની અટકળો પછી બસપાના વડા માયાવતીએ આખરે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલી બેઠકમાં બસપા સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. આ બેઠકમાં બીએસપી સુપ્રીમોએ તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના મુખ્ય અધિકારીઓને બોલાવ્યા હતા.
વર્ષ 2017થી રાજકારણમાં સક્રિય થયેલા આકાશ હાલ સુધી પક્ષના સંયોજકની ભૂમિકા ભજવતા’તા
બહુજન સમાજ પાર્ટીના આગામી ઉત્તરાધિકારી અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. આકાશ આનંદને પાર્ટીની કમાન મળશે કે કેમ તે અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એવામાં માયાવતીએ જાહેરાત કરી કે એમનો વારસો ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો છે. હવે આગામી લોકસભાની ચૂંટણી અને તેની તૈયારીઓને લઈને આકાશ આનંદનું કદ વધવાના સંકેત મળી રહ્યા છે. સાથે જ અનેક જાણકારોનું કહેવું છે કે બેઠકમાં કરવામાં આવેલી આ જાહેરાતથી ઉત્તર પ્રદેશની રાજનીતિ અને પાર્ટીની રાજકીય લાઇન પર મોટી અસર પડી શકે છે.
આકાશ આનંદની જો વાત કરવામાં આવે તો તેઓ હાલમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અને માયાવતીના નાના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. માયાવતીના ભત્રીજા આકાશે લંડનમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2017માં માયાવતી દ્વારા આયોજિત એક રેલીથી રાજકારણમાં સક્રિય થયા હતા. આ વર્ષે જૂનમાં આકાશ આનંદે પાર્ટીના નેતા અશોક સિદ્ધાર્થની પુત્રી પ્રજ્ઞા સાથે લગ્ન કર્યા છે. આકાશ આનંદ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ટ્વિટર પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર 52 હજાર ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 37 હજારથી વધુ ફોલોઅર્સ છે.
બે રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પછી હિન્દી પટ્ટામાં સૌથી વધુ સમર્થન ધરાવતા પક્ષની જવાબદારી આકાશ આનંદના ખભા પર આવી ગઈ છે. 2012 થી ચૂંટણીમાં સતત હાર હોવા છતાં બીએસપીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખ્યો છે. પાર્ટીએ એમપી અને રાજસ્થાનમાં ઘણી સીટો પર બીજા ક્રમે રહીને કોંગ્રેસની રમત બગાડી છે.
આકાશ આનંદે રાજસ્થાન ચૂંટણી દરમિયાન બસપાની જવાબદારી સંભાળી હતી. તેમણે ઘણા દિવસો સુધી રાજ્યમાં પગપાળા યાત્રા પણ કરી હતી. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતી હતી. પાર્ટીએ રાજ્યમાં 5 ટકાથી વધુ મત મેળવ્યા છે. આ પછી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આકાશ આનંદની જવાબદારી વધારવાની વાત થઈ હતી. એવાં હવે માયાવતીએ રવિવારે લખનઉમાં યોજાયેલી બેઠક દરમિયાન આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારીની જવાબદારી સોંપવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં 28 રાજ્યોના બસપાના હોદેદારો હાજર રહ્યા હતા.