રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારત બંધ દરમિયાન દલિતો પર થયેલા કેસો પાછા નહીં ખેંચાય તો બંને કોંગ્રેસી સરકારોને આપેલો ટેકો પાછો ખેંચવાની માયાવતીની ચીમકી
આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને લડત આપવા કોંગ્રેસ વિપક્ષી મહાગઠ્ઠબંધન બનાવવાના સ્વપ્ન જોઈ રહ્યું છે. ત્યારે સંભવિત સાથી પક્ષો એક પછી એક આ સ્વપ્નને ઝટકો આપી રહ્યા છે.
ત્રણ હિન્દી રાજયોમાં વિજય બાદ વિપક્ષી મહાગઠ્ઠબંધનમાં કોંગ્રેસ મોટાભાઈની ભૂમિકામાં આવી ગયું હોય તેનું નાક દબાવવા અનેક વિપક્ષી પાર્ટીઓ નારાજ થયાનું નાટક કરી રહ્યા છે. મમતા, અખિલેશ બાદ માયાવતીએ પણ ‘બિન ભાજપી બિન કોંગ્રેસી’ ત્રીજા મોરચામાં ઢળવાના સંકેતો આપીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને આપલો ટેકો ચાલુ રાખવા માટે કોગ્રેસ પાસે શરત મૂકી છે.
બસપા સુપ્રિમો માયાવતીએ ગઈકાલે લખનૌમાં એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે ૨ એપ્રીલે ભારત બંધના એલાન દરમ્યાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેક નિદોર્ષ દલિતો પર પોલીસ કેસો નોંધવામાં આવ્યા છે. આ પોલીસ કેસોને તાજેતરમાં સત્તામાં આવેલી કોંગ્રેસી સરકારોએ પાછા ખેંચવા જોઈએ જો આ બંને સરકારો તુરંત આ અંગે યોગ્ય નિર્ણય નહી કરે તો તેમની સરકારને બસપાએ બહારથી આપેલું સમર્થન પાછુ ખેંચવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનેલી કોંગ્રેસી સરકારોને બસપાના ચૂંટાયેલા ધારાસભ્યોએ બહારથી સમર્થન આપ્યું છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને જરૂરી બહુમત કરતા ઓછી બેઠકો મળી હોય સપા અને બસપાના ટેકાથી કમલનાથ સરકાર બની છે.
સરકારી નોકરીમાં રહેલા દલિતો આદિવાસીઓને બઢતી માટે રખાયેલા એસસી, એસટી એકટ ૧૯૮૯ને પૂરી રીતે લાગુ કરવા દલિત સંગઠ્ઠનો દ્વારા ૨ એપ્રીલના રોક ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું હતુ. આ ભારત બંધ દરમ્યાન ઉત્તર પ્રદેશ, અને તે સમયની ભાજપ શાસીત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ભારે તોફાનો થયા હતા. આ તોફાનોમાં સેંકડો દલીતો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. આ પોલીસ કેસો જાતીવાદ અને રાજનૈતિક લાભો ખાટવા, તત્કાલીન ભાજપી સરકારોએ નોંધાવીને નિદોર્ષોને ફસાવી દેવાના આરોપ માયાવતીએ કર્યા છે. તેમને જણાવ્યું હતુ કે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નવી કોંગ્રેસ સરકારો આવી ગઈ છે. એટલે આ નિદોર્ષો સામે થયેલા પોલીસ કેસો પરત ખેંચવા જોઈએ.
તાજેતરમાં યોજાયેલી મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે વધારે બેઠકોની માંગને લઈને ગઠ્ઠબંધન શકય ન બનતા બસપાએ બંને રાજયોમા એકલાહાથે ચૂંટણી લડી હતી જેમાં મધ્યપ્રદેશમાં બે અને રાજસ્થાનમાં છ બેઠકો પર બસપા વિજયી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી ન મળતા કોંગ્રેસે બસપા અને સપાના ધારાસભ્યોના ટેકાથી સરકાર બનાવી હતી. આ રાજયોમાં કોંગ્રેસનાવજય બાદ પ્રસ્તાવિત વિપક્ષી મહાગઠ્ઠબંધનમાં કોંગ્રેસ મોટાભાઈની ભૂમિકામાં આવી ગઈ હોય સપા અને બસપાએ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં પોતાની રીતે ગઠ્ઠબંધન કરવા તજવીજ હાથ ધરીહતી. સપા અને બસપાએ કોંગ્રેસનું નાક દબાવવા ‘બિન ભાજપ-બિન કોંગ્રેસી’ ત્રીજા મોરચા માટે કેસીઆરના પ્રયત્નોને પણ ટેકો આપ્યો હતો.
માયાવતીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવી બનેલી કોંગ્રેસી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતુ કે આ સરકારોએ ભાજપની જેમ કામ કરવું ન જોઈએ અને ખેડુતો તથા બેરોજગારોને ચૂંટણી વખતે કરેલા વાયદાઓ પૂર્ણ કરવા જોઈએ તેમને કોંગ્રેસને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે આ રાજયોમાં લોકોને કરેલા વાયદાઓ મુજબ કોંગ્રેસ કાર્ય નથી કરી રહ્યું અને આવા વાયદાઓ માત્ર કાગળ પર રહેવા પામ્યા છે. તેમણે ભાજપ અને કોંગ્રેસને સિકકાની બે બાજુ સમાન ગણાવીને કોંગ્રેસે તેનું વલણ બદલવા તાકીદ કરી હતી.
ત્રિપલ તલાક બિલ ૨૦૧૮માં ગુન્હાહિત કલમની જોગવાઈને રદ કરવાની અને આ બિલને જોઈન્ટ સિલેકટ કમિટી પાસે મોકલવાની વિપક્ષોની માંગમાં સૂર પૂરાવતા જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં ‘અચ્છે દીન’ લાવવાની વાતો કરતી મોદી સરકારે પોતાના એકપણ વાયદા પૂરા કર્યા નથી એટલું જ નહી નોટબંધી અને જીએસટીનો યોગ્ય રીતે અમલીકરણ ન કરતા લોકોને હાડમારી વેઠવી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.