અબતક, લખનઉ

“કોંગ્રેસ માટે મત વેડફતા નહીં!!”

બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતીએ રવિવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સ્થિતિ ખરાબ છે. તેમણે કહ્યું હતું કે તેમના સીએમ ઉમેદવારે થોડા કલાકોમાં જ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.માયાવતીએ લખ્યું હતું કે યુપી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાલત એટલી ખરાબ છે કે તેના સીએમ ઉમેદવારે થોડા જ કલાકોમાં પોતાના નિવેદનને બદલ્યું હતું. આવી સ્થિતિમાં સારું એ રહેશે કે લોકો કોંગ્રેસને મત આપીને પોતાનો મત બગાડે નહીં, પરંતુ એકતરફી બસપાને જ મત આપે.

પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી પદના ચહેરા તરીકેની રેસમાં પાછીપાની
કરી લેતા કોંગ્રેસ પર માયાવતીના આકરા પ્રહાર 

હવે ઉત્તરપ્રદેશની રાજકીય સ્થિતિ પર નજર કરવામાં આવે તો હાલ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ છે. ત્યારે બસપાને કોંગ્રેસ પાસે ચોક્કસ ગઠબંધનની અપેક્ષા હતી ત્યારે કોંગ્રેસ ખુદ જ હજુ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરી શક્યો ન હોય ત્યારે બસપાનો મિજાજ ભાજપ તરફી જોવા મળે તેવું હાલ ચોક્કસ લાગી રહ્યું છે. બીજી બાજુ સપા પછાત વર્ગનો વોટબેંક ધરાવે છે અને બસપા પણ પછાત વોટબેંક ધરાવે છે જેથી બસપા ભાજપ સાથે જોડાઈ જાય તો ઉત્તરપ્રદેશમાં ભાજપ ચૂંટણી જંગ જીતે અને બસપા પણ સતા પર આવી જાય. આ રણનીતિના ભાગરૂપે માયાવતીનું ભાજપ તરફ કુમળું વલણ જોવા મળી રહ્યું છે.

બસપા સુપ્રીમો માયાવતીએ વધુમાં લખ્યું હતુ કે ‘યુપીમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓ લોકોની નજરમાં મતોને તોડતી પાર્ટી છે. આવી સ્થિતિમાં ભાજપને યુપીમાં સત્તાથી બહાર કરવા સમગ્ર સમાજના હિતમાં અને તેમના જાણીતા નેતાના નેતૃત્વવાળી સરકારની જરૂર છે, જેમાં બસપાનું સ્થાન ખરેખર નંબર-૧ પર છે.

જણાવી દઈએ કે કોંગ્રેસના યુવા મેનિફેસ્ટોની જાહેરાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ શુક્રવારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેઓ જ છે. તેમના આ નિવેદન બાદ આ મામલો તેમની પાર્ટીમાં જ નહીં, પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો. જોકે થોડા કલાકો પછી પ્રિયંકા ગાંધીએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે યુપીમાં માત્ર તેઓ જ પાર્ટીનો ચહેરો નથી, તેમણે આ વાત વધારીને કહી હતી.

પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર કોણ હશે એ પાર્ટી જ નક્કી કરે છે અને કેટલાંક રાજ્યોમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હું એમ નથી કહેતી કે હું જ સીએમપદની ઉમેદવાર છું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તમે લોકો એક જ સવાલ વારંવાર પૂછતા હતા, તેથી હું થોડું વધારે બોલી ગઈ હતી.

પત્રકારને સવાલ કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે એવાં ઘણાં રાજ્યો છે, જ્યાં પ્રભારી હોય છે, પછી ભલે તે કોંગ્રેસ પાર્ટીના હોય કે બીજેપીના. શું તમે તેમને પૂછો છો કે તેઓ મુખ્યમંત્રીપદના ઉમેદવાર છે કે નહીં? તમે તેમને કેમ પૂછતા નથી? આ સવાલ ફક્ત મને જ કેમ પૂછવામાં આવે છે?

ઘૃણાસ્પદ ભાષણોને લઈ સિદ્ધુના સલાહકાર વિરુદ્ધ ગુન્હો દાખલ !!

પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુસ્તફા પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ હતો. જણાવી દઈએ કે મુસ્તફાના ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી સતત તેમના પર પ્રહારો કરી રહી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ઈલ્મીએ આરોપ લગાવ્યો કે મુસ્તફાએ પોતાના નિવેદનમાં ‘હિંદુ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. મુસ્તફાની પત્ની રઝિયા સુલતાના માલેરકોટલા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

માલેરકોટલા પંજાબનો મુસ્લિમ બહુમતી જિલ્લો છે. ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં વિડિયો ક્લિપ બતાવી, જેમાં મુસ્તફાને ૨૦ જાન્યુઆરીએ માલેરકોટલામાં એક જાહેર સભામાં કહેતા સાંભળી શકાય છે, “હું અલ્લાહની શપથ લઉં છું કે હું તેને કોઈ કાર્યક્રમ કરવા નહીં દઉં.” હું ‘કૌમી ફૌજી’ છું… હું આરએસએસનો એજન્ટ નથી જે ડરીને ઘરમાં છુપાઈ જઈશ.’ તેમણે વીડિયોમાં કથિત રીતે કહ્યું, ‘હું અલ્લાહના શપથ લઉ છું કે જો તેઓ ફરીથી આવું કરવાનો પ્રયાસ કરશે તો હું તેમને તેમના ઘરમાં જઈને મારીશ.’ આ નિવેદન બાદ ગુન્હો નોંધાયો હતો. જો કે મુસ્તફાએ ‘હિંદુ’ શબ્દનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. મુસ્તફાએ કહ્યું કે મેં માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવ્યા હતા કારણ કે તેમાંથી કેટલાકે તેમનો પીછો કર્યો હતો અને તેમની સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.