બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ તેમની પાર્ટીની પરિસ્થિતી સુધારે, હાલ પણ ગઠબંધન પર સ્થાઈ બ્રેક લાગી નથી. પરંતુ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં 11 બેઠકો પર બસપા એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સપાના બેઝ એટલે કે યાદવોના વોટ જ તેમને (સપાને) મળ્યા ન હતા.

ડિમ્પલ યાદવ પોતે અને તેમના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી હારી ગયા છે. જે ચિંતાનો વિષય છે. આ પહેલા સોમવારે તેમણે દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી હતી. માયાવતીએ પદાધિકારીઓ અને સાંસદો સાથે થયેલી બેઠકમાં કહ્યું હતું કે ગઠબંધન થી ફાયદો થયો ન હતો.

માયાવતીએ કહ્યું હતું કે, મે તેમનું(અખિલેશ યાદવ)પરિવારની જેમ જ માન સન્માન કર્યુ હતું. આ સન્માન દરેક સુખ દુઃખના સમયે બન્યું રહેશે. પરંતુ રાજકીય પરિસ્થિતીને નજરઅંદાજ ન કરી શકાય. લોકસભાના પરિણામો બાદ દુઃખ સાથે આવું કહેવું પડે છે. લોકસભા ચૂંટણીમાં સપાના બેઝ વોટ ગઠબંધન સાથે રહ્યાં જ ન હતા.

એવામાં અન્ય બેઠકોની સાથે સાથે ખાસ કરીને કન્નૌજથી ડિમ્પલ યાદવ, બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવ અને રામગોપાલ યાદવના દિકરા અક્ષયનું ફિરોઝાબાદથી હારવું ચિંતાજનક છે. બસપા અને સપાના બેઝ વોટથી આ ઉમેદવારોની હાર ચિંતાજનક છે. સપાના બેઝ વોટ સપાને જ નથી મળ્યા તો બસપાને તો કેવી રીતે મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.