રાજ્યભરમાં ફરી માવઠાનો કહેર
અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને જૂનાગઢમાં સવારથી પોણો ઈંચ સુધી કમોસમી વરસાદ; છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકાઓમાં વરસાદ
અબતક, નવી દિલ્હી
રાજ્યભરમાં ફરી માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે. આ માવઠું પાકની સાથે સ્વાસ્થ્યને પણ બગાડે તેવી ભીતિ જોવા મળી રહી છે. ગઈકાલે અનેક સ્થળોએ વરસાદી માહોલ રહ્યા બાદ આજે વહેલી સવારથી અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને જૂનાગઢમાં સવારથી પોણો ઈંચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારે અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં દેખાઈ હતી. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં આજે વહેલી સવાર સુધી સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 29 મિ.મી નોંધાયો છે. શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે. અમરેલીના ખાંભામાં 22 મીમી, ઉનામાં 18 મીમી, કવાંટમાં 10 મીમી, સિહોરમાં 7 મીમી અને જેસરમાં 4 મીમી સુધીનો વરસાદ પડ્યો છે.આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે.જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. આ ઉપરાંત લોકોના આરોગ્યને પણ અસર પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રી દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો છે જે શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે તેની કાલથી અસર જોવા મળી રહી છે વહેલી સવારથી પણ વરસાદ જોવા મળી રહ્યો છે રાત્રે પણ ભારે વરસાદના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે જિલ્લાના સાયલા ચોટીલા લીંબડી તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોની મહેનત પાણીમાં જાય તેવી શક્યતાઓ વર્ણવવામાં આવી રહી છે અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ઝરમર વરસાદ પણ શરૂ થઈ ચૂકયો છે ત્યારે લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. ખેડૂતો દ્વારા જીરું વરિયાળી જેવા પાકોનું મબલખ વાવેતર કરી અને ઉત્પાદન મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદના પગલે નુકસાન જવાની ભીતી સર્જાઈ જવા પામી છે ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે જેને લઇને જીરૂ વરિયાળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાતા હાલમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ: મહારાષ્ટ્રના દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં જુનાગઢ સહિત સોરઠમાં ધાબડીયા વાતાવરણ સર્જાયું છે અને જિલ્લાના અમુક ગામોમાં ઝીણા છાંટા પડ્યા હોવાના અને વિસાવદરનાં હરિપુર, મોણપરી, ખાંભા, લીમધ્રા, રતાંગ, દાદર, મિયાવડલા, ઇશ્વરિયા વગેરે ગામોમાં કમોસમી વરસાદ થયા હોવાના વાવડ મળી રહ્યા છેે. જેેને લઇને તુવેર, ચણા સહિતનાં પાક ને નુકશાન થઈ શકે તેવી શક્યતાઓ અને ચિંતા ખેડૂતો દ્વારાા ઉત્પન્ન થઇ છે. બીજી બાજુ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મોસમ વિભાગના પ્રાપ્ત આંકડા મુજબ આજે જૂનાગઢમાં મહત્તમ 21.6 ડિગ્રી તથા લઘુતમ 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભેજનું પ્રમાણ 34 ટકા અને પવનની ગતિ 3.0 કિમી. રહેતા જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી જ ગુલાબી ઠંડી એ સંપૂર્ણ સામ્રાજ્ય સ્થાપી દીધું છે. અને લોકોને ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર કરી દીધા છે.
રાજુલા: રાજુલા વિસ્તારમાં આવેલા વાવાઝોડા માં થયેલ નુકસાનીમાંથી હજી લોકો ઉભા થયા નથી ત્યાં આ કમોસમી વરસાદમાર ને કારણે લોકોની હાલત વધુ કફોડી થયેલ છે અને ખાસ કરીને ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ થયેલ છે ચોમાસાની સીઝનમાં પણ વધારે પડતા વરસાદને કારણે ખેતીપાકોને નુકશાન થયેલ હોય અને કોમર્સની વરસાદ પડતા ખૂબ જ નુકસાન વધી ગયેલ છે જ્યારે બીજી બાજુ આ લગ્નની સિઝન હોય ત્યારે વરસાદ શરૂ થતાં લગ્નના રંગમાં ભંગ પડેલ છે અને લગ્ન સ્થળો એ અફરાતફરીનો માહોલ પણ જોવા મળેલ છે.
રાજ્યમાં 40થી 60 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
1 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. એટલું જ નહીં, રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે.
આજે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્ય ઝાપટા પડી શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
કાલે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દિવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આવતીકાલે સાબરકાંઠા, છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દિવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શુક્રવાર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાઠાના વિસ્તારોને એલર્ટ રહેવા અને માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદના કારણે ખેડૂતોને પાક સહીસલામત જગ્યા પર મુકવા પણ સૂચના આપી છે. પાકને નુકશાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના આપવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચન કર્યું છે.