સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ગઈકાલે ભારે પવન અને કરા સાથે માવઠું પડતા ખેડૂતોની માઠી બેઠી છે. અનેક વિસ્તારોમાં કપાસ, એરંડા, મરચી, તુવેર, ધાણા, જીરૂ, રાય, ડુંગળી, ચણા, ઘઉંને નુકસાન વ્યાપક નુકસાન પહોચ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભારે પવન, વરસાદ અને કરાથી કપાસ, એરંડા, મરચી, તુવેર, ધાણા, જીરૂ, રાય, ડુંગળી, ચણા, ઘઉંને નુકસાન : પશુઓ માટે વાવેલા મકાઈ અને જુવારના વાવેતરનો પણ સોથ વળી ગયો

એરંડા, તુવેર, ધાણા, જીરૂ અને રાય જેવા સંવેદનશીલ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ વધી, બાગાયતી પાકોને પણ અસર

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણ અચાનક પ્લટ્યું હતું. જોત જોતામાં વરસાદ સાથે ભારે પવન અને કરાવર્ષા પણ પડી હતી. પરિણામે ખેતીને વ્યાપક અસર પહોંચી છે. ખેડૂત અગ્રણી દિલીપ સખીયાના જણાવ્યા મુજબ જ્યાં વરસાદ સાથે કરા પડ્યા છે ત્યાં નુક્સાનીનું પ્રમાણ વધ્યું છે. લાંબા ગાળાના જે પાકો છે તેવા કપાસ, એરંડા, મરચી અને તુવેરમાં નુકસાની વધુ છે. આ ઉપરાંત શિયાળુ પાકો જીરું, ડુંગળી, ચણા અને ઘઉંમાં પણ નુકસાની છે. પશુપાલન માટે મકાઈ અને જુવારનું જે વાવેતર થયું હતું તેનો પણ સોથ બોલી ગયો છે. આ ઉપરાંત બાગાયત પાકો છે જેમાં બોર, એપલ બોર, જામફળ સહિતના ફાલને પણ અસર પહોંચી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ ડો.જી.આર.ગોહિલે જણાવ્યું કે વાતાવરણમાં હજુ જોઈએ તેટલી ઠંડી નથી.ભેજ આવ્યો છે. હાલનું વાતાવરણ શિયાળુ પાક માટે બરાબર નથી. વધુમાં તેઓએ ઉમેર્યું કે જીરુંના ભાવ વધ્યા હોવાથી મોટાપ્રમાણમાં ખેડૂતોએ જોખમ લઈને જીરુનું વાવેતર કર્યું હતું. હજુ તો જીરું ઉગીને સરખું થયું હતું. ત્યાં વરસાદને કારણે પાણી ભરાયુ અને કરા પણ પડ્યા એટલે જીરું બલી જવાનું જોખમ વધ્યું છે. વરસાદ કરતા પણ પાકને કરા વધુ નુકસાન કરે છે. જે પાકને બાળી નાખે છે.

હવે શિયાળુ પાકનું વાવેતર કરશે તેનું ઉત્પાદન સારૂ રહેશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત ડો. જી.આર.ગોહિલે જણાવ્યું કે હજુ સારી ઠંડી પડી નથી. સાચી ઠંડી હવે શરૂ થવાની છે. તેવામાં હવે પછી જે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર શરૂ કરશે તેઓનો પાક ખૂબ સારો થશે. ઉત્પાદન પણ ખૂબ સારું થશે.

શિયાળુ પાકના વાવેતરમાં અનેક ખેડૂતોએ ઉતાવળ કરી નાખી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો. જી.આર.ગોહિલે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરમાં ઉતાવળ કરી નાખી છે. આ વર્ષે સિઝન મોડી શરૂ થવાની છે. ઠંડી શરૂ થઈ ન હતી. ત્યાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી નાખ્યું હતું. તેવામાં માવઠું પણ પડ્યું. જેના કારણે નુકસાની પણ ભોગવવાનો વારો આવ્યો છે.

ઘઉંના પાકમાં કરા પડ્યા હોય તો કુવા કે બોરનું હુંફાળું પાણી પાવવું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો. જી.આર.ગોહિલે જણાવ્યું કે ઘઉંના પાકમાં કરાથી નુકસાન થવાની ભીતિ છે. જે ખેડૂતોએ ઘઉંનો પાક લીધો હોય, તેઓએ કુવા કે બોરનું પાણી પાવવું જોઈએ. આ પાણી હુંફાળું હોવાથી પાકને જરૂરી ગરમી મળી રહેશે.

અમુક સ્થળોએ મગફળીના તૈયાર થઈ ગયેલા પાકને નુકસાની

ખેડૂત અગ્રણી દિલીપ સખીયાએ જણાવ્યું કે 5થી 10 ટકા ખેડૂતો એવા હતા જેઓનો મગફળીનો પાક તૈયાર તો થઈ ગયો હતો પણ કા તો ઉતારવાનો બાકી હતો અથવા તો પાથરા પડ્યા હતા. ઓચિંતા આવેલા માવઠાથી યોગ્ય વ્યવસ્થા ન હોય આ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

સરકાર નુકસાનીનો સર્વે કરાવી સહાય આપે તેવી માંગ

સરકાર નુકસાનીનો સર્વે કરાવી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વધુમાં ખેડૂત અગ્રણી દિલીપ સખીયા જણાવે છે કે છેલ્લા 4થી 5 વર્ષથી વાતાવરણમાં આવા પલ્ટા આવવાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સરકારની 33 ટકાથી વધુ નુકસાન હોય તો સહાય આપવાની જોગવાઈ છે. તેના થોડી છૂટછાટ સાથે ખેડૂતોના લાભાર્થે નિર્ણય લેવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.