ઠંડીનું જોર વધવાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠું થવાની સંભાવના: દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા
એક તરફ કોરોનાના નવા વેરિયન્ટના કારણે ઉહાપો મચેલો છે ત્યારે રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સાથે માવઠું થવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જગતાતના સપના માવઠાને કારણે ખેદાન-મેદાન થઈ જશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં થયેલા પાછોતરા વરસાદમાં સૌરાષ્ટ્ર સહિત અન્ય જગ્યાઓ પર ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યારે હવે કમોસમી વરસાદ ફરી કોઈ મોટી મુશ્કેલી ઉભી ના કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.
જો માવઠું સામાન્ય રહ્યું તો ખેડૂતોને નુકસાન થવાની સંભાવના નહિવત છે.રાજ્યના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં બે દિવસ માવઠું થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળો જામી રહ્યો છે તેવામાં વરસાદ થવાની પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે વરસાદનું જોર વધવાની સંભાવના દેખાઈ રહી છે.
30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 30મીના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.આ સિવાય 1 ડિસેમ્બરના રોજ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ અને આણંદ, ખેડા, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં થયેલા પાછતરા વરસાદમાં ઘણાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
કમોસમી વરસાદની આગાહી સાથે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી વધતા ખેડૂતો ખુશ છે જ્યારે વરસાદની સંભાવનાને લઈને તેઓ ફરી એકવાર ચિંતામાં મૂકાયા છે.