આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલ્ટો આવે તેવી શક્યતા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે જેના કારણે ઠંડીમાં વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. રાજ્યમાં હજુ શિયાળો જામવાની તૈયારી છે ત્યાં હવે માવઠું પડવાના અણસાર છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 25 અને 26 નવેમ્બરે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. તેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. માવઠાના કારણે રાજ્યમાં ઠંડીમાં પણ તીવ્ર વધારો થઈ શકે છે.

દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં કમોસમી વરસાદની સંભાવના

હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેના કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની શક્યતા છે. 26 નવેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના જોવામાં આવે છે. પાંચ દિવસ પછી માવઠું પડે તો તાપમાનમાં પણ લગભગ ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

25 તારીખથી બે દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઠંડી પણ પડશે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું જ રહેશે. તેથી વરસાદની શક્યતા આગામી શનિવારથી છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બીજા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વખતે નવેમ્બર મહિનો અડધો વીતી ગયો હોવા છતાં જોઈએ તેટલી ઠંડી પડી નથી. પરંતુ માવઠાના કારણે દેખીતી રીતે જ રાજ્યમાં તાપમાનમાં સારો એવો ઘટાડો થવાની શક્યતા છે.

ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

એકબાજુ ઠંડી બીજીબાજુ માવઠાની આગાહી વચ્ચે કચ્છ અને ઉનામાં ભૂકંપનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના છ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે વહેલી સવારે 6:47 વાગ્યે કચ્છના ભચાઉથી 15 કિમી દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. અન્ય આંચકા 1 ની તીવ્રતાના નોંધાયા હતા. ઉપરાંત ઉનામાં આવેલા આંચકાની તીવ્રતા પણ 1 ની નોંધાઈ હતી. ભચાઉમાં આવેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.