ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, બગસરાના ડેરી પીપળીયા, વડિયા અને સુપેડી સહિતના સૌરાષ્ટ્રના અનેક ગામોમાં કમોસમી વરસાદથી પાકને પારાવાર નુકશાની: જેતપુર યાર્ડમાં જણસી પલળી ગઇ: અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ચાલુ સાલ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. એકાદ સપ્તાહ સુર્યનારાયણ બરાબર ખીલે ત્યાં માવઠાની મહોંકાણ સર્જાય છે. ગઇકાલે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર, વડીયા, સુપેડી અને બગસરા સહિતના અનેક ગામોમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ખૂલ્લામાં રાખવામાં આવેલી જણસી માવઠાના કારણે પલળી જવાના કારણે પારાવાર નુકશાની થવા પામી છે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા પામી હતી.
ધોરાજી ગઇકાલે બપોરે ભારે બફારા બાદ સતત બે કલાક સુધી જોરદાર પવન સાથે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જમનાવડથી પીપળીયા રોડ પર 6 વૃક્ષ, નાની વાવડી ગામે 3 વૃક્ષ, મોટી મારડથી વાડોદર જવાના રસ્તા પર જ વૃક્ષ પડી ગયા હતા. આ અંગે ડે.કલેક્ટર લીખીયા અને મામલતદાર જાડેજા અને આરએફઓ નીહારીકાબેન અને ટીમ હિટાચી મશીનથી દ્વારા ઝાડને રસ્તા પરથી સાઇડમાં કરેલ અને રસ્તાઓ ખુલ્લા કરેલ. જામકંડોરણા અને ધોરાજી વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થઇ ગયેલ છે અને રસ્તાઓ પર પાણી ફરી વરેલ છે તેમજ ખેતીના પાકોમાં કેરી, ડુંગળી, લસણ, તલ અને કઠોળના પાકને વ્યાપક નુકશાન થયેલ છે અને ખેડૂતોએ ખેતરમાં સુકો ઘાસચારો, ભારે પવન અને વરસાદના કારણે ઉડીને પલળી ગયેલ છે.આ તકે કિશાન નેતા મગનભાઇ વઘાસીયાએ જણાવેલ કે ખેડૂતોના પાક ખરાબ થતા સરકારી સહાય આપવી જોઇએ.
ઉપલેટામાં અડધો ઇંચ જેવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોરે ત્રણ વાગે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવાનો ચાલુ થતા ચાર વાગે ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગો અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે પોણા શહેરમાં અડધો ઇંચ જેવો વરસાદ પડી જતા ભર ઉનાળે ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના નાગનાથ ચોક, જૂની મીલ ચોક, દ્વારકાધીશ સોસાયટી જરીયા પ્લોટ પંચહાટડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક મકાનોના નળીયા ઉડી જવા પામ્યા હતા. જ્યારે નાગનાથ ગેટ પાસે મામલતદાર કચેરીની બાજુમાં વર્ષો જુનું પહાડી વૃક્ષ ધરાશાઇ થતા બે કલાક માટે રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ગઢાળા સેવંત્રા સહિત ગામોમાં વરસાદ પડતા ઉનાળું મગફળી તેમજ એરંડાને પાકોને નુકશાની થવા પામી હતી.
બગસરાના ડેરી પીપરીયા ગામે ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો હતો. અડધો કલાકથી વધુ વરસાદ આવતા બજારમાં પણ પાણી ફરી વળ્યા હતા. સમગ્ર ડેરી પીપરીયા ગામમાં ઠંડક પ્રસરી હતી.
રાજકોટ જિલ્લાના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતલસર, સાંકળી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ હતો અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલ વેપારીની જણસી પલળી હતી. માવઠાને કારણ યાર્ડમાં ઘઉં, ધાણા, મરચાં જેવી જણસી પલળી ગયા હતા.
જૂનાગઢ ચોકી વચ્ચે ભારે પવન સાથે કરા પડતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો, સાથે જ ભારે પવનના કારણે સાંકળી ગામ પાસે હાઇવે પર ભારે પવનના કારણે પતરા ઉડતા અગાસી ઉપર કામ કરી રહેલ બે લોકો ઇજાગ્રસ્ત થતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.