અબતક, રાજકોટ
ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાત સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરશયો હતો. રાજકોટમા આજે સવારે 11 વાગ્યા આસપાસ વરસાદી છાટા જોવા મળ્યા હતા.રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી
મળતી માહિતી મુજબ સવારથી રાજ્યમાં સૌથી વધુ મહેસાણાના ઊંઝામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત રાજ્યના કુલ 45 તાલુકાઓમાં સામાન્ય કમોસમી વરસાદ નોંધાયો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અહીં નોંધનીય છે કે રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સૌથી વધુ મહેસાણાના ઊંઝામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો: વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. આગામી કેટલાંક દિવસો સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
રાજ્યભરમાં બે દિવસ ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે
હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. બે દિવસ ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં છે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.