વેલમાર્ક લો-પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે: જાફરાબાદ-પીપાવાવ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું: અનેક સ્થળોએ વાદળછાંયુ વાતાવરણ
માવઠાથી થયેલી નુકશાનીનો સર્વે કરવા રાજય સરકારનો આદેશ
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેશરના કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે દરમિયાન આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.જાફરાબાદ-પીપાવાવનાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. લોકોને દરિયા નજીક અવર જવર ન કરવા અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે ત્રણ જિલ્લામાં માવઠા પડયા હતા.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમં સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેશરના કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં ઉતર ગુજરાતમાં અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. માવઠાની શકયતાને ધ્યાનમાં રાખતા ખેડુતોએ તૈયાર થયેલી જણસી ઢાંકીને રાખવા તાકીદ કરવામાં આવી છે. આજે સવારે રાજકોટમાં પણ વાતાવરણ વાદળછાંયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજયમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હજી એકથી બે દિવસ ડિપ્રેશનની અસર જોવા મળશે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેડુતો ચિંતીત બની ગયા છે. કેરી, ઘઉં, ધાણા, ચણા, ડુંગળી સહિતના પાકોને પારાવાર નુકશાની થવા પામી છે. વાવાઝોડાની સંભવીત સ્થિતિને ધ્યાનમાં રાખી આજે જાફરાબાદના દરિયાકાંઠે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પીપાવાવના દરિયામાં પણ વાવાઝોડાની સામાન્ય અસર જોવા મળી હતી હજી બે દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગોવાથી 500 કિ.મી.દૂર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે વેલ માર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બને તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસથી રાજયમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોરે સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. તાલાલા, આંકોલવાડી, થાવાગીર, લુશાળા ગીર, બોરવાવ ગીર, માધુપુર, ભાવનગરના તળાજા, મહુવા, બગદાણા, વોરડા, લોંગડી, અમરેલીના બગસરા અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠા પડયા હતા.
કમોસમી વરસાદના કારણે સોરઠ પંથકમાં કેસર કેરીના પાકને વ્યાપક નુકશાની થવા પામી છે. આ ઉપરાંત ઘઉં, મકાઈ, ડુંગળી, જીરૂ, ચણા સહિતના પાકને નુકશાની થવા પામી છે. રાજયમાં હજી બે દિવસ વરસાદી વાતાવરણ રહેવા પામશે ખેડુતોને તમામ જણસી ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને દરિયા નજીક ન જવા તાકીદ કરાય છે. જયારે માછીમારોને પણ દરિયો ન ખેડવા તાકીદ કરાય છે. આગામી 20મી ડિસેમ્બર બાદ રાજયમાં ઠંડીનું જોર વધશે અને કડકડતી ઠંડીનો દૌર શરૂ થશે.
માવઠાના કારણે ખેડુતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાય જવાની દહેશત જણાય રહી છે. બીજી તરફ છેલ્લા બે દિવસથી રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હોય રાજય સરકાર દ્વારા માવઠાથી ખેડુતોને થયેલી નુકશાનીનો સર્વે કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જ બુધવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર શિયાળે ચોમાસુ માહોલ સર્જાયો હતો.
જિલ્લામાં સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેતું હતું. અને કોઈકવાર સૂર્યનારાયણ કોમળ તડકો વરસાવતા હતા. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. બીજી તરફ કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
બીજી તરફ અન્ય જિલ્લાઓની સાથે ઝાલાવાડમાં પણ વરસાદની વકી સેવાઈ રહી છે. જોકે, બુધવાર સાંજ સુધીમાં જિલ્લામાં કયાંય વરસાદ પડવાના વાવડ નથી. પરંતુ વરસાદની શકયતાને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉં, જીરૂ સહિતના પાકોને માવઠાને લીધે નુકશાન થવાની શકયતા સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ઉનાળા જેવું ઉંચુ તાપમાન
સામાન્ય રીતે ડિસેમ્બર માસમાં આખો દિવસ ગરમ વસ્ત્રો ધારણ કરી ફરવું પડે છે. પરંતુ આ વર્ષ શિયાળાની સીઝન જાણે શરુ જ ન થઇ હોય તેવું લાગી રહ્યું છે. ડિસેમ્બરના આરંભે ચારથી પાંચ દિવસ ઠંડી પડયા વગર ફરી પારો ઉંચકાય ગયો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ર0 ડિગ્રીને પાર થઇ ગયો છે. પંખા અને એસી. ચાલુ રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજી એકાદ સપ્તાહ સુધી તાપમાન ઉંચુ રહેશે દરમિયાન ર0મી ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં સતત પલટો નોંધાય રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયા વિસ્તારોમાં માવઠા પડી રહ્યા છે. હજી બે દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામા આવી છે. બેલ માર્ક લો પ્રેશન સિસ્ટમ બનતાની સાથે જ રાજયમાં જાણે શિયાળો ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે.
મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે એટલું જ નહી જુનાગઢ અને રાજકોટ સહિતના અનેક શહેરમાં તાપમાન ર0 ડિગ્રીને પાર થઇ ગયું છે. આજે જુનાગઢનું લધુતમ તાપમાન 21.4 ડિગ્રીએ પહોંચી ગયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ઝડપ સરેરાશ પાંચ કી.મી. રહેવા પામી હતી. રાજકોટ શહેરમા આજે લધુતમ તાપમાન ર0 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ડિગ્રી નોંધાયું હતું. પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
સૌરાષ્ટ્રમાં શિયાળામાં ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડીનું જોર સંપૂર્ણ પણે ઘટી ગયું છે. વહેલી સવારે થોડીવાર અને મોડી રાત ઠંડીનો અહેસાસ થાય છે દિવસ દરમિયાન ઉનાળા જેવો આકરો તાપનો અનુભવ થઇ રહ્યો છે.