Abtak Media Google News

આજે કચ્છ, અમરેલી અને રાજકોટ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી: માવઠાની કહેર વચ્ચે ગરમીનું જોર યથાવત

જુનાગઢમાં કડાકા – ભડાકા સાથે ‘માવઠું’: ધારી પંથકમાં કરા પડયા

રાજયભરમાં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલે સાંજે જુનાગઢ શહેરમાં વીજળીના કડાકા – ભડાકા સાથે  અર્ધો ઇંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ગામમાં કરા સાથે વરસાદ પડયો હતો. આજે કચ્છ, અમરેલી, રાજકોટ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી બે દિવસ રાજયમાં વાવાઝોડા સાથે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. આ માવઠુ છે કે પછી પ્રિ-મોનસુન એકિટવીટી શરુ થઇ ગઇ છે. તે અંગે લોકોના મન ચકરાવે ચડયા છે. કારણ કે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદ પૂર્વ જે પ્રકારના બફારાનો અહેસાસ થતો હોય છે તેવો બફારો હાલ અનુભવાય રહ્યો છે. મે માસમાં પણ માવઠાના માર જારી રહેશે.

એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હિટવેવનો પ્રકોપ પણ જારી છે. રાજયના ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટનું તાપમાન 40 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40.4 ડિગ્રી, અને કંડલા પોર્ટ પરનું તાપમાન 40.2 ડિગ્રી રહ્યું હતું. આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લામાં દરમિયાન આવતીકાલે વરસાદનું જોર વધશે કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

જુનાગઢ

જુનાગઢમાં ગત સમી સાંજે વીજળીના ચમકારા અને કડાકા – ભડાકા સાથે અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતા શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદથી શહેરમાં હાલમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરીથી શહેરના અનેક વિસ્તારોમાં કાદવકીચળનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું હતું. તે સાથે ગત સાંજના પડેલ કમોસમી વરસાદથી શહેરમાં થોડો સમય ઠંડક અનુભવાયા બાદ ફરી બફારો વધ્યો હતો.

સાંજે જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અડધી કલાક સુધી મેઘરાજાએ વરસાદની ધૂઆંધાર ઇનિંગ ખેલી હતી. જેના કારણે શહેરના જોષીપુરા, કાળવા ચોક, એમ જી રોડ, એસટી બસ સ્ટેન્ડ રોડ, ટીંબાવાડી અને ઝાંઝરડા ચોકડી તથા મધુરમ સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતું.જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પાક રક્ષણ માટે ખેડૂતોને ઉચિત પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે.

તે સાથે જિલ્લા કલેકટર એ કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવા, ખાતર અને બિયારણના વિક્રતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખવા અને આગોતરા સાવચેતીના પગલાં લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા.  ઉપરાંત એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનુ ટાળવું જોઈએ અથવા અથવા સુરક્ષિત સ્થળે રાખવી હિતાવહ છે.

ધારી

ધારી તાલુકાના સુખપુર હિમ ખીમડી તેમજ જંગલ વિસ્તારમાં ભારે કડાકા ભડાકા સાથે એકાએક વરસાદ વરસાદ તુટી પડયો હતો. વરસાદ બાદ ધારીના હિમ ખીમડી પરામાં કરા સાથે વરસાદનું  ઝાપડું પડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.