સુરત, ભરુચ, દહેજ, વડોદરા, સાયલી, પંચમહાલ સહીતના અનેક વિસ્તારોમાં માવઠાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: ચણા, જીરુ, મકાઇ, રાયડો સહિતના પાકને નુકશાની

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આજે લધુતમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને કાતીલ ઠંડીમાં થોડી રાહત મળી હતી. બીજી તરફ રાજયના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમૌસમી વરસાદના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડુતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. આજે ઉત્તર અને મઘ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે. આજે રાજયના 10 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. એકાદ-બે દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ ફરી હાડ થીજાવતી ઠંડી પડશે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે  આજે ઉત્તર અને મઘ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે પવન ફુંકાય શકે છે ગત રાતથી રાજયના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારે સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદના કારણે રાજમાર્ગો પર પાણી વહેલા લાગ્યા હતા.

માવઠાના કારણે શિયાળુ પાકને નુકશાની થવાની ભીતી ઉભી થવા પામી છે. આજે રાજયના 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે પવન પણ ફુંકાય શકે છે. સવારથી સુરત, ભરુચ, દહેજ, વડોદરા, સાવલી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું છે. માવડાના કારણે જીરુ, બટેટા, ઘંઉ, કપાસ, મકાઇ, રાયડો અને ચણા સહિતના શિયાળુ પાકને નુકશાની પહોંચે તેવી ભીતી ઉભી થતાં જગતાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

રાજકોટમાં પણ આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની કોઇ આગાહી આપવામાં આવી નથી. દરયિા કાંઠાના જિલ્લાઓમાં સામાન્ય છાંટા પડી શકે છે. આગામી ર4 કલાક દરમિયાન ભારે પવન ફુંકાવવાની પણ શકયતા હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી હતી. આજે સવારથી રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

રાજકોટ શહેરમાં આજે લધુતમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ઉંચકાયો હતો અને ડબલ ડિજિટમાં પહોંચી ગયો હતો. રાજકોટનું લધુતમ તાપમાન આજે 14.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની સરેરાશ ઝડપ 9 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જો કે કચ્છના નલીયાનું લધુતમ તાપમાન આજે પણ સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. નલીયા આજે 7 ડિગ્રી સાથે ઠંડીમાં થર થર ધ્રુજી હતું.

અમદાવાદનું લધુતમ તાપમાન 16 ડિગ્રી, બરોડાનું તાપમાન 16.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16.6 ડિગ્રી, ભુજનું તાપમાન 10.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15.7 ડિગ્રી, જુનાગઢનું તાપમાન 13 ડિગ્રી, પોરબંદરનું  તાપમાન 14.6 ડિગ્રી, અને વેરાવળનું તાપમાન 18.1 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જે વિસ્તારોમાં માવઠુ પડયું છે ત્યાં વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે. આગામી બે થી ત્રણ દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે ત્યારબાદ ફરી ઠંડીનું જોર રાજયભરમાં વધશે.

કાતિલ ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી આપો

કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ કોંગ્રેસના પ્રવકતા મનીષભાઇ દોશી દ્વારા કરાય છે.  મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત  લવજીભાઈ વિરસંગભાઇ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુ:ખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે

લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરશો તેવી રજુઆત મુખ્યમંત્રીને કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.