• સગા ફૂવા સહિત પાંચ શખ્સોએ ભત્રીજી પર દાનત બગાડી આચર્યું કૃત્ય

વઢવાણના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને ગામના જ પાંચ નરાધમો છેલ્લા 8 માસથી પીંખતા હતા. સગીરાને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાની વિગતો સામે આવતા સમગ્ર બનાવનો ભાંડો ફૂટયો હતો અને સગીરાએ વઢવાણ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના અને દુષ્કર્મ આચરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણમાં સગીરા સાથે પાંચ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાતા ચકચાર ફેલાઈ છે.

બનાવની વઢવાણ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતા એક પરીવારમાં માતા-પિતા ન હોવાથી સગીરા તેના સગા ફુવાને ત્યાં રહેતી હતી. ત્યારે ફુવા રફીક ઉર્ફે મુન્નો અલ્લારખાભાઈ કેરાળીયાની દાનત સગીરા પર બગડી હતી અને સગા સાળાની દિકરી પોતાની ભત્રીજી હોવાનું જાણવા છતાં રફીકે સગીરાસાથે 8 માસ પહેલા દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલેક, શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્ફાન મીરઝા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણે પણ સગીરાના ઘરે અલગ- અલગ સમયે વારાફરતી જઈ સાથે તેણીની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ.

જેમાં શાહરૂખ મલેકે એકવાર તથા અન્ય ચાર શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. આ ઉપરાંત રફીક કેરાળીયા, સમીર મલેક અને અલ્ફાન મીરઝા સગીરાને બળજબરીથી બાઈક પર બેસાડી લઈ જઈ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તે ગર્ભવતી હોવા છતાં દુષ્કર્મ આચરતા હતા અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. થોડા સમયથી સગીરા તેના ફુવા સાથે રહેતી ન હતી.

સમગ્ર બનાવ બહાર આવતા સગીરાએ સગા ફુવા સહિત પાંચેય સામે વઢવાણ પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ મહિલા યુનિટના પીઆઈ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.