આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ભરૂચમાં કમોસમી વરસાદ વરસશે
હજી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દદ્વારા આપવામાં આવી છે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયના શુક્રવાર સુધી માવઠા વરસતા રહેશે. વિજળીના કડાકા – ભડાકા સાથે અમુક સ્થળોએ 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાશે આજે મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડશે દરમિયાન આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છ જિલ્લા ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદ વરસશે.
ગુરૂવારે અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, અરવલ્લી, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં જયારે શુક્રવારે અમરેલી, ભાવનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતો રહેશે. અમુક સ્થળોએ મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે 40 કી.મી. ની ઝડપે પવન પણ ફુંકાશે.
ધારીમાં અઢી ઇંચ, સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ
ભર ઉનાળે નદીઓમાં પૂર આવ્યા, ડેમમાં નવા નીરની આવક: રાજ્યના 27 તાલૂકાઓમાં માવઠાની મહોંકાણ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં માવઠાએ હાહાકાર મચાવ્યો છે. ભર ઉનાળે જાણે ચોમાસુ બેસી ગયુ હોય તેમ છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી ચાર દિવસ માવઠાની આગાહી આપવામાં આવી છે. ભર ઉનાળે નદીઓમાં ઘોડાપુર આવી રહ્યા છે. જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ રહી છે. રાજ્યના 27 તાલૂકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા ઝાપટાથી માંડી અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં સોમવારે માવઠાનું જોર વધ્યુ હતું. અમરેલી જિલ્લાના લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ કર્યો હતો. અમરેલીના ધારી તાલુકામાં દોઢ કલાકમાં સાંબેલાધારે અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. પીપળીયામાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ભર ઉનાળે સામાન્ય રિતે ડેમો સુકાઇ જતા હોય છે. પરંતુ આ વર્ષ કુદરતની કમાલ જોવા મળી રહી છે. અમરેલી પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થવા પામી હતી. ધારીમાં માત્ર દોઢ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે આખા ગામમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દોઢ ઇંચ, બોટાદના ગઢડામાં સવા ઇંચ, બરવાળામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી શહેરમાં 18 મીમી, નખત્રાણામાં 16 મીમી, લાઠીમાં 14 મીમી, કલ્યાણપુરમાં 11 મીમી, જસદણમાં 11 મીમી, વલ્લભપુરમાં 9 મીમી, ઉમરગામમાં 9 મીમી, લીલીયામાં 8 મીમી, ખાંભામાં 8 મીમી, અંજારમાં 7 મીમી, ઉપલેટામાં 6 મીમી, રાજકોટમાં 5 મીમી, ચોટીલામાં 5 મીમી, દ્વારકામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જામકંડોરણા, માંડવી, ઉતરાળા, વિસાવદર, ખેરગામ, ધોલેરા, ભાણવડ, જેતપુર અને કાંકરેજ સહિત 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
ધારી પંથકમાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેસર કેરી, બાજરી, મગ સહિતના પાકને પારાવાર નુકશાની પહોંચી છે. આજે સવારથી પણ વાતાવરણ ગોરંભાયેલુ છે.