અતિથિ વિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયા ઉ૫સ્થિત રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત અનુદાનિત ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના ઇ.સ. ૨૦૧૧માં થયેલ છે. ત્યારથી આ કેન્દ્ર દ્વારા કંઠસ્ય પરંપરા અને લોકસાહિત્યક્ષેત્રે ઉમદા સંશોધન કરનાર એક સંશોધકને ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિ. ના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નીમીતે બન્ને ક્ષેત્રે એટલે કે નવ સંશોધકો- સં૫ાદકો અને નવ લોકગાયક, લોકવાર્તાકાર તેમજ ભજનીકોને એવોર્ડ આપવાનો નિર્ણય થયેલ છે. આ વર્ષનો એવોર્ડ વિતરણ સમારોહ આગામી તા. ૧૭-૧-૨૦૨૦ ને શુક્રવારના રોજ બપોરના ૨.૩૦ વાગ્યે રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાશે.
આ સમારંભમાં દીપ પ્રાગટય અને આશિવચન પાઠવવા પુજય સંત મોરારીબાપુ, અઘ્યક્ષસ્થાને કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, મુખ્ય મહેમાન તરીકે ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી અને જૈન ઇન્ટરનેશનલ ઓગેનાઇઝેશનના પ્રમુખ ડો. ધેવરચંદજી બોહરા, અતિથિ વિશેષ તરીકે ગુજરાત, સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ પહ્મ વિષ્ણુભાઇ ૫ંડયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા જામનગરના સાંસદ પુનમબેન માડમ ઉ૫સ્થિત રહેશે.
આ સમારંભમાં કંઠસ્ય પરંપરા અને લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંશોધક પ્રો. લાભશંકર પુરોહિતને ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય એવોર્ડ અને લોકગાયક, લોકવાર્તાકાર તરીકે જેમણે વિશેષ સિઘ્ધીઓમેળવી છે એવા ભારતીબેન કુંચાલાને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ પ્રખર રામાયણી સંતશ્રી મોરારીબાપુના વરદહસ્તે એનાયત થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કુલસચિવ ડો. રમેશ પરમાર, ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. અંબાદાન રોહડિયા અને સહનિયામક ડો. જે.એ. ચંદ્રવાડીયાએ ભાવભીનું નિમંત્રણ પાઠવેલ છે.