શાળા-કોલેજો બંધ
તા.૩૧ ઓકટોમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
હથિયારો સાથે ફરતા બેકાબુ ટોળા વિખેરવા પોલીસે ટીયર ગેસના ૧૯ સેલ છોડયા
રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહુવા દોડી ગયા
અગડીયા અને ઇન્દિરાનગરના રહીશોને સલામત સ્થળે ખસેડાયા
પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત
મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની ત્રણ દિવસ પહેલાં થયેલી હત્યાના પગલે કોમી ભડકો થયો છે. રોષે ભરાયેલા ટોળુ ઘાતક હથિયાર સાથે મુખ્ય માર્ગ પર આવી એક સાથે દસ જેટલી દુકાનમાં તોડફોડ અને કેબીનમાં આગ ચાપી દેતા કોમી તંગદીલી સર્જાતા રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહુવા દોડી ગયા છે. વિફરેલા ટોળા પર ૧૯ જેટલા ટીયર ગેસના સેલ છોડી અને હળવો લાઠ્ઠીચાર્જ કરી પોલીસે વણસેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી થાળે પાડવા પ્રયાસ કર્યો છે.
ખોટી અફવા ન ફેલાય તે માટે જિલ્લા કલેકટરે તા.૩૧ ઓકટોમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે. મહુવામાં પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા અજંપાભરી સ્થિતી વચ્ચે તોડફોડની ઘટના અટકી છે.
નવરાત્રી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ કિશનભાઇ ગુજરીયાને મુસ્લિમ શખ્સો સાથે થયેલી બોલાચાલીના કારણે ત્રણેક દિવસ પહેલાં જયેશભાઇ પોતાના મિત્ર મહેશભાઇ સાથે ગાંધી બાગના પુતળા પાસે બાઇક લઇને ઉભા હતા ત્યારે સાલમીયા ઉસ્માનમીયા ઉર્ફે રાતુમીયા બાપુડી, અસ્લમ હાલારી ઉર્ફે મેમણ, ઇમરાન ઉર્ફે ટીણીયો સંધી અને તૈયબ તેજા ગાહા નામના શખ્સોએ બંને યુવાન પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેભાઇ ગુંજારીયાનું સારવાર દરમિયાન ભાવનગર હોસ્પિટલમાં મોત નીપજતા છેલ્લા ત્રણ દિવસથી મહુવાની શાંતિ ડખોળાઇ હતી અને કોમી તનાવ સર્જાતા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.
મહુવામાં પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ગતરાતે મોટી સંખ્યામાં ઘાતક હથિયાર સાથે ટોળુ આગડીયા અને ઇન્દિરાનગર વિસ્તારમાં ઘસી ગયું હતું અને એક સાથે દસ જેટલી દુકાનમાં તોડફોડ કરી એક કેબીનને આગ ચાપી સળગાવી નાખી હતી. ઠેર ઠેર પથ્થરમારાની ઘટના બનતા ભાવનગર રેન્જ આઇજી નરસિમ્હા કોમર અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહુવા દોડી ગયા હતા.
વિફરેલા ટોળા પર પોલીસે હળવો લાઠ્ઠીચાર્જ કરી ૧૯ ટીયર ગેસના સેલ છોડી મોટી સંખ્યામાં તોફાની શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા હતા. અગડીયા અને ઇન્દિરીનગરના રહીશોને કોર્ડન કરી સલામત સ્થળે લઇ જવા પડયા હતા. ઘાતક હથિયારો સાથે ટોળુ મહુવામાં તોડફોડ કરતું હોવાનો વીડિયો મોબાઇલમાં વાયરલ થતા પરિસ્થિતી વધુ વણસી જતા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી તા.૩૧ ઓકટોમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાવી હતી તેમજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાના રેન્જ આઇજી નરસિમ્હા કોમરે આદેશ જારી કર્યો છે. અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુંજારીયાની હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધાનું જાહેર કર્યુ છે. મહુવામાં પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત ગોઠવી બેકાબુ બનેલી સ્થિતી પર પોલીસે કાબુ મેળવી લીધો છે.