બંને બ્રીજનું ૪૫ ટકાથી વધુ કામ પૂર્ણતાના આરે: નવા વર્ષના આરંભે જ બ્રીજ લોકો માટે ખુલ્લો મુકાય તેવી આશા
શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર કરોડો ‚પિયાના ખર્ચે મવડી ચોકડી તથા રૈયા ચોકડી ખાતે બે સમાંતર ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ હાલ પુર જોશમાં ચાલી રહ્યું છે. આજ સુધીમાં બ્રીજનું ૪૫ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં બ્રીજનું કામ પૂર્ણ થઈ જશે અને નવા વર્ષથી બંને બ્રીજોનું વાહન ચાલકો માટે લોકાર્પણ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના સિટી ઈજનેર ભાવેશ જોશીએ જણાવ્યું હતું કે, ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી ખાતે અંદાજે ૬૦ કરોડના ખર્ચે બે સમાંતર ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. એક બ્રીજમાં આશરે ૩૦ કરોડ ‚પિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. આજ સુધીમાં બંને બ્રીજમાં ૪૫ ટકા જેટલુ કામ થઈ ગયું છે અને ફાયનાન્સીયલ પોસ્ટીંગ મુજબ આગામી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૧૨ કરોડ ‚પિયાનું કામ થઈ જવાનો અંદાજ છે. રૈયા ચોકડી ખાતે બની રહેલા બ્રીજમાં તમામ ૪ ભાગમાં પીલર કેર ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જયારે મવડી ચોકડી ખાતે ૪ પાર્ટ પૈકી ૩ પાર્ટમાં પીલર કેર ઉભા કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. બ્રીજનું કામ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની મુદત છે. નિર્ધારીત સમય મર્યાદામાં બંને બ્રીજનું કામ પુરુ થઈ જાય તેવી શકયતા હાલ જણાઈ રહી છે. દરમિયાન નવા વર્ષના આરંભે એટલે કે ૨૦૧૯ના આરંભે જ લોકો માટે બંને બ્રીજ ખુલ્લા મુકી દેવામાં આવશે.