NDA ની સરકારે ૨૦૧૪ માં સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારે મેઇક ઇન ઇન્ડિયા નો નારો આપ્યો હતો. મતલબ કે સરકારનું લક્ષ્યાંક ભારતમાં ઉત્પાદન વધારીને સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું હતું. છેલ્લા છ વર્ષના શાસનમાં સરકાર આ મામલે કેટલી સફળ થઇ તેનું રીપોર્ટ કાર્ડ કદાચ આપણે હાલમાં તૈયાર ન કરી શકીએ પરંતુ સંજોગો એવા આવી રહ્યા છે કે લોકોની માનસિકતા એવી બને કે વિદેશી કંપનીઓ સાથે કારોબાર મુશ્કેલ છે..! આજે ત્રણ એવા કેસની રજૂઆત કરીઐ જે આરોગ્ય, આર્થિક તથા દેશની સુરક્ષા એમ ત્રણ મામલે સાવચેતીના સૂર વગાડે છે. આ ત્રણેય કેસ છે, ચીનની કોરોના વાયરસની મહામારી, વોડાફોનની આર્થિક હાલત તથા વોટ્સએપ, ટીકટોક તથા ટિવટર સામે રાષ્ટ્રવિરોધી પ્રવૄતિની ફરિયાદ..!

Banna

  • કોરોનાથી ભારતીયોના ચીન સાથેના સોદા અટકયા

ચીનમાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં સત્તાવાર જાહેરાત પ્રમાણે ૨૮૦૦ થી વધારેના મોત થયા છે. વિશ્વભરમાં આશરે ૮૬૦૦૦ જણાને રોગ લાગુ પડ્યો છે. વૈશ્વિક સમુદાયે આશરે ૧૦૦૦૦ જેટલી વિમાની સેવા બંધ કરી છે. જેમાં ભારત પણ છે. યાદ રહે કે આ બિમારીના કારણે ભારત જ નહી એશિયા અને વિશ્વના બે ડઝન જેટલા દેશો શેરબજારો છ થી માંડીને ૨૦ ટકા સુધી તુટયા છે. કૄષિ કોમોડિટી ડાઉન છે. ભારતીયોના ચીન સાથેના સોદા અટક્યા છે. પેમેન્ટ પણ અટવાયા છૈ. આમ જોઇએતો ભારતનો ચીન સાથેનો કારોબાર લગભગ બંધ છે. હવે તે ક્યારે ફરી પાટે ચડશે તે નક્કી નથી. સ્વાભાવિક રીતે જ આરોગ્યના જોખમે કોઇને કમાણી કરવી ન પોષાય. જેટલી અસર મેઇક ઇન ઇન્ડિયાનાં નારા  થઇ એના કરતા અનેક ગણી અસર કોરોના એ કરી છે એમ કહી શકાય. હાલમાં શેરબાજર, કોમોડિટી બજાર અને ક્રુડ બજાર એમ બધુ જ ડાઉન છે. એ માટે કદાચ અન્ય કારણો પણ હોઇ શકે પણ કોરોનાનું કારણ તો છે જ.

  • વોડાફોન-આઇડ્યિાનો કેસ આર્થિક ચિંતા

વોડાફોન-આઇડ્યિાનો કેસ આર્થિક ચિંતા ઉભી કરનારો છે. એક તો રિલાયન્સની ટેલિકોમ બ્રાન્ડ જીઓએ   આ સેક્ટરમાં એન્ટ્રી કરી ત્યારથી હરિફ કંપનીઓની માઠી દશા બેઠી છે. કદાચ જીઓની વગના કારણે સરકારે આ કંપનીઓની કુંડળીમાં પનોતી બેસાડી હોય એવું પણ બની શકે. એટલે તો વોડાફોન અને આઇડ્યિાને મર્જ થવું પડ્યું આમછતાંયે વોડાફનનાં સંચાલકોના જીવનમાં ફન નથી. સરકારી સંસ્થા TRAI એટલેકે ટેલિકોમ રેગ્યુલેટરી  ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ વોડાફોન-આઇડ્યિાને  એડ્જેસ્ટેડ ગ્રોસ રૈવન્યુ (AGR) પેટે ૫૩૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાના નીકળે છે. જેને ચુકવવા માટે કંપનીને તેના કોલ રેટ તથા ડેટાનાં ભાવ હાલના ભાવ કરતા આઠ ગણા વધારવા પડે તેમ છે. કંપનીએ એવી રજૂઆત કરી છે કે ૨૦૧૬-૧૭ માં જે રેવન્યુ મોડેલ હતું તે પાછું અમલી બનાવાય તો જ બેલેન્શીટ સુધરી શકે તેમ છે. અધુરામાં પુરૂં આ AGR ચુકવવા માટે કંપની ૧૫ વર્ષના હપ્તા કરવાની માગણી મુકે છે.  આ ઉપરાંત વોડાફોનને ૮૦૦૦ કરોડ રૂપિયાનું GST રિફંડ જોઇએ છે. હવે આવા સંજોગોમાં આ કંપની કેવી રીતે ટકી શકશે એ સવાલ છે. જો ભાવ આઠ ગણા થયા તો શું ભારતીય મોબાઇલ ધારકો અન્ય ઓપરેટરમાં સ્વીચ ઓવર ન થઇ જાય..? સરકારની પોલીસી કહો, હરિફ કંપનીની રાજકિય વગ કહો કે શરૂઆતમાં ચલાવેલી લૂંટનું પરિણામ કહો પણ આ વિદેશી કંપની કયામતના દિવસો વિતાવી રહી છે.  આવા દાખલાઓ બાદ અન્ય વિદેશી કંપનીઓને ભારતમાં કમાણી કરવા માટે એન્ટ્રી કરવાના રૂટ બદલવા પડશૈ.

  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા CAA ના વિરોધમાં જુઠા સમાચાર

ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રદ્રોહનો..! દરેક ભારતીય જેની સાથે સીધા સંકળાયેલા છે એવા ત્રણ મોસ્ટ પોપ્યલર સોશ્યિલ મિડિયા, વોટ્સએપ, ટિવટર અને ટિકટોક ગત સપ્તાહે હેદરાબાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચના સાણસામાં આવ્યા છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે અમુક લોકો આ ત્રણ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા CAA ના વિરોધમાં જુઠા સમાચાર ફેલાવીને રાષ્ટ્રવિરોધિ પ્રવૄત્તિઓ કરી રહ્યા છે. દેશવિરોધી સમાચાર અને વિડિયો દ્વારા આ કામ ચાલતું હોવાની ફરિયાદ થઇ છે. આમાં  સત્યનો શોધ કરવામાં આવશે અને જો કાંઇ તથ્ય નહીં મળે તો છોડી દેવાશૈ પરંતુ જો આ વાતમાં તથ્ય હશે તો આ ત્રણેય માધ્યમો ઉપર પ્રતિબંધ કે ભારે દંડ આવી શકે છે. જે અંતે તો આ મિડીયાને  ભારતીયોથી દૂર કરવાનું કામ કરશૈ. મતલબ કે સોશ્યિલ મિડિયાને પણ ભારત માંથી ઉચાળા ભરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.