ગુજરાતમાં મંડરાઈ રહેલા તાઉંતે વાવાઝોડાનો ખતરા લઈને તંત્ર અલર્ટ થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તાઉંતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય.
વાવાઝોડા ત્રાટ કે પહેલા આટલું અવશ્ય કરશો
•અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ
•તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો
•આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો
•તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો
•જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે
•તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ
•ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો
•વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો
•બારી-બારણાઓ બંધ રાખો
•જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ
•વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો
•ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો
•વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો
•તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ
•તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો
•સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો
સાગરખેડૂતો માટે: રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે.તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો