- મેથ્સનું પેપર મધ્યમ અને નબળા ગણાતા વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરૂ લાગ્યું–હોંશિયાર વિદ્યાર્થીઓ પણ નિયત સમયમાં પ્રશ્ર્નપત્ર પૂર્ણ કરી ન શકતા મુંઝાયા હતા
ઈજનેરી– ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટમાં મેથ્સના પેપરે વિદ્યાર્થીઓને રડાવ્યા હતા. બાયોલોજીના પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી હતી. મેથ્સનું પેપર મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અઘરૂ હતું, જેના લીધે તેઓ પરીક્ષા બાદ રડતા હતા. જ્યારે હોંશિયાર વિદ્યાર્થીઓ પણ મેથ્સમાં નિયત સમયમાં પ્રશ્નપત્ર પૂર્ણ કરી શક્યા ન હોવાથી રડતા જણાયા હતા. આમ, મેથ્સના પેપરથી વિદ્યાર્થીઓના ગુજકેટના પરિણામ પર અસર જોવા મળશે. આ ઉપરાંત બાયોલોજીનું પેપર પણ વિદ્યાર્થીઓની કસોટી કરે તે પ્રકારનું પુસ્તકના કોર્નરમાંથી પ્રશ્નો તૈયાર કરીને પૂછાયું હતું.ઈજનેરી– ફાર્મસીમાં પ્રવેશ માટે રવિવારના રોજ ગુજકેટ લેવામાં આવી હતી. જેમાં પ્રથમ સેશનમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની સંયુક્ત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા 129965 વિદ્યાર્થીઓ પૈકી 126281 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં બાયોલોજીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલા 83037 વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષામાં 78482 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે છેલ્લા સેશનમાં મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.
જેમાં નોંધાયેલા 49684 વિદ્યાર્થીઓ પૈકી 48029 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજકેટની પરીક્ષામાં મેથ્સના પેપરમાં વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા. પ્રશ્નપત્ર ખૂબ જ અઘરૂ પૂછાયું હતું, જેના લીધે મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી. આ ઉપરાંત હોંશિયાર વિદ્યાર્થીઓને પણ જવાબો લખવાના ફાંફા પડી ગયા હતા. હોંશિયાર વિદ્યાર્થીઓને પણ પેપર ખૂબ જ લેન્ધી લાગ્યું હતું. જેના પગલે તેઓ એક કલાકમાં 40 પ્રશ્નોના જવાબો લખી શક્યા ન હતા. રાજ્યના અનેક વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર પૂર્ણ કરી શક્યા ન હોવાની ફરિયાદ ઊઠી છે. પ્રશ્નના આધારે ગણતરી કરીને જવાબ લાવવાનો પ્રયાસ કરવામાં આવે તો એક પણ ઓપ્શન જવાબમાં મળતું ન હતું. પરંતુ તેના બદલે આપેલા ઓપ્શનના આધારે ગણતરી કરવામાં આવે તો જવાબો મળતા હતા. જેના પગલે સમયનો ખૂબ વ્યય થતાં વિદ્યાર્થીઓને પ્રશ્નો લખવાના રહી ગયા હતા.મેથ્સમાં પેપર અઘરૂ નિકળતા અનેક સેન્ટર પર વિદ્યાર્થીઓ બહાર નીકળીને રડી પડ્યા હતા. નબળા વિદ્યાર્થીઓને કશું આવડતું ન હોવાના લીધે તેઓ રડતા હતા. જ્યારે હોંશિયાર વિદ્યાર્થીઓને નિયત સમયમાં પેપર પૂર્ણ થયું ન હોવાથી ઘણા પ્રશ્નોના જવાબો લખવાના રહી ગયા હોવાથી તેઓ પણ રડતા હતા. આ ઉપરાંત બાયોલોજીના પેપરે પણ વિદ્યાર્થીઓની કસોટી કરી હતી. બાયોલોજીમાં પ્રશ્નો સીધા જ પુસ્તકમાંથી પૂછવાના બદલે કોર્નરમાંથી પૂછવામાં આવ્યા હતા. જેના પગલે વિદ્યાર્થીઓને બાયોલોજીનું પેપર મધ્યમ લાગ્યું હતું.]
બાયોલોજીની એક આકૃતિમાં વિદ્યાર્થીઓ અટવાયા
ગુજકેટમાં બાયોલોજીના પ્રશ્નપત્રમાં એક આકૃતિના જવાબમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. પ્રશ્નપત્રમાં છપાયેલી આકૃતિ સ્પષ્ટ ન હોવાથી વિદ્યાર્થીઓ કયો જવાબ લખવો તેને લઈને મૂંઝવણ અનુભવતા હતા. જોકે આ આકૃતિ પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવી હતી પરંતુ પ્રશ્નપત્રમાં જ્યારે પ્રિન્ટ કરવામાં આવ્યું ત્યારે તેની ક્લીયારીટી સારી ન હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા.