ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ ધમધમી રહી છે આ વાત જગજાહેર છે રાજકોટમાં વોર્ડનં.11માં કોર્પોરેશનની માલીકીના પ્લોટ પર દારૂનું વેચાણ થતું હતુ. જેના પર સ્થાનિકોએ જનતા રેડ કરી હતી. ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્થળ વિઝીટ કરી હતી અને એવી ખાતરી આપી હતી કે બુલડોઝરો દ્વારા ગેરકાયદે ખડકી દેવામાં આવેલા દબાણો દર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવશે. દરમિયાન આજે સવારે કોર્પોરેશનની ટીપી શાખાનો કાફલો વિજીલન્સ અને તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે વોર્ડ નં.11માં ત્રાટકયો હતો. બુટલેગરોએ ટીપીના રોડ પર ખડકેલા આઠ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.
શહેરના વોર્ડનં.11માં અંબિકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સુવર્ણભૂમી એપાર્ટમેન્ટની પાછળ ટીપી સ્કીમ નં. 26 (મવડી)ના 9 મીટર અને 12 મટરના ટીપી રોડ તથા બાજુમાં આવેલા એક સાર્વજનીક પ્લોટ પર અમૂક આસામીઓ દ્વારા ગેરકાયદે મકાનો બનાવી દેવામાં આવ્યા છે. અહી દારૂનું વેચાણ પણ કરવામાં આવતું હતુ. થોડા સમય પહેલા અહી દારૂના હાટડાઓ પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી હતી. આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરાય હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખી સ્થળ વિઝીટ કરી હતી અને દબાણો તોડી પાડવાની બાંહેધરી આપી હતી.
આજે સવારે કોર્પોરેશનની વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો બે બુલડોઝર અને વિજીલન્સ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલીશન માટે ત્રાટકયો હતો. ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે તે પૂર્વે દબાણકર્તાઓએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે માથાકુટ કરી હતી. ભાજપના નેતાઓએ ગેરકાયદે ખડકેલા બાંધકામો તોડવાની માંગણી કરી હતી. સાથોસાથ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે જો આજે તેઓના મકાનો તોડી પાડવામાં આવશે તો ફરીથી મકાન બનાવી લેશે.
સતત બે કલાક સુધી માથાકુટ ચાલી હતી બબાલ વધુ વકરે તે પૂર્વે ટીપી શાખા દ્વારા તાત્કાલીક અસરથી તાલુકા પોલીસનો વધારાનો બંદોબસ્ત મંગાવી લેવામાં આવ્યો હતો. અહી શ્રીનાથજીપાર્કમા ટીપીના રસ્તા પર ખડકાયેલા આઠ મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદે દબાણ ખડકી દેનારા લોકોએ એવી પણ દલીલ કરી હતી કે તેઓ 20 વર્ષથી અહી વસવાટ કરી રહ્યા છે.
મ્યુનિ. કમિશનરના કડક આદેશ બાદ બુલડોઝર ધણ ધણ્યા
સતત બે કલાકથી વધુ માથાકૂટ ચાલ્યા બાદ વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જિનિયર કુંતેશ મહેતા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.મામલો મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેશાઈ સુધી પહોંચતા તેઓએ ટીપીના અધિકારીઓને એવો કડક આદેશ આપ્યો હતો કે વધારાનો પોલીસ બંદોબસ્ત બોલાવી કોઈ પણ ભોગે આજે ડીમોલશન કરવાનું છે જ ત્યાર બાદ બુલ ડોઝરોએ ધણધણાટી બોલાવી હતી.
કમલેશ મિરાણીના દબાણો તોડો : દબાણકર્તાઓની સ્ટાફ સાથે માથાકુટ
કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો આજે સવારે શહેરના વોર્ડ નં.11મા બૂટલેગરો દ્વારા ટીપીના રોડ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા મકાનોને જમીન દોસ્ત કરવા ત્રાટકી હતી. ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવે તે પૂર્વે જ દબાણકર્તાઓએ ‘ચોરી ઉપરથી સિનાજોરી’ જેવો તાલ સર્જી દીધો હતો. ટીપી શાખાના અધિકારીઓને ઘેરી લીધા હતા અને એવી માથાકુટ કરી હતી કે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીએ ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવો તો ખબર પડે અમારામકાનો તોડવા માટે આવી ગયા છે. વિજીલન્સ બંદોબસ્ત હોવા છતાં ડિમોલીશનની કામગીરી અટકાવવા માટે રકઝક કરી હતી ભાજપના કોર્પોરેટરોએ પણ નિયમ વિરૂધ્ધ બાંધકામ ખડકી દીધા છે તેને તોડવાની હિમંત કરો તેવી પણ દલીલ કરી હતી.