હળવદ તાલુકાના માથક ગામે ગત રાત્રીના એક જ કોમના બે જુથ્થ વચ્ચે અથડામણ થતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે મોરબી હોતસ્પટલે ખસેડવામાં આવેલ. જયારે હળવદ પોલીસ મથકે બન્ને જુથ દ્વારા સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના ૯ વાગ્યાના અરસામાં ઠાકોર સમાજના બે જુથ સશ હથિયારો સાથે સામ-સામે આવી જતા ચાર લોકોને ઈજાઓ થવા પામી છે. જેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ. બનાવની જાણ હળવદ પોલીસને થતા પી.આઈ. એમ.આર. સોલંકી, પીએસઆઈ પી.જી. પનારા, હે.કો. વસંતભાઈ વઘેરા સહિતનાઓ માથક ગામે દોડી જઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જયારે આ બનાવ બાબતે બન્ને જુથ દ્વારા સામ-સામી ફરિયાદ નોંધાવી છે.
જેમાં ફરિયાદી અજયભાઈ રૂડા કોળીએ વાઘજી મનુ કોળી, ચતુર વાઘજી, રોહિત વાઘજી, મહેશ વાઘજી, સવજી બચુ, જગા બચુ સહિત ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે ફરિયાદી બચુભાઈ અમરશીભાઈ કોળીએ અજય રૂડા, રૂડા ભીખા, ચતુર મેરા, સંજય રૂડા કોળી સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામ-સામે થયેલ જુથ અથડામણના બનાવમાં ઈજાગ્રસ્ત ચતુરભાઈ, સંજયભાઈ, અજયભાઈ રૂડા, જગાભાઈ સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોરબી ખસેડાયા છે.