ભરશિયાળે કમોસમી વરસાદથી જગતાત ચિંતિત
પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથમાં સવારે જોરદાર ઝાપટુ, રોડ પર પાણી વહેવા લાગ્યા
રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર- સોમનાથ, જામનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર : ઘઉં, જીરૂ, ચણા, લસણ-ડુંગળી સહિતનાં પાકને વ્યાપક નુકસાન: ગીર સોમનાથ-પોરબંદરમાં યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળી પલળી ગઈ
આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સ પાસ થતા વાતાવરણ ચોખ્ખુ થશે: વિજિબિલિટીમાં ઘટાડો થતા હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકી
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં સાયકલોનીક અપરએર સરકયુલેશનનાં કારણે રાજયમાં માગસર મહિનામાં અષાઢી માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, ખેડા, અમદાવાદ, રાજકોટ, દેવભૂમિ, જામનગર, બનાસકાંઠા સહિતનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો છે. જેને લઈને રવિ પાકનો સત્યનાશ થયો છે. ભરશિયાળે મેઘરાજાનાં આગમનથી જગતાત ચિંતિત બન્યો છે. પોરબંદર, વેરાવળ, ગીરસોમનાથમાં આજે વહેલી સવારે જોરદાર ઝાપટુ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્રનાં ઘણા ખરા શહેરોમાં કમોસમી વરસાદ પડતા કહેર, ઘઉં, જીરૂ, ચણા, લસણ, ડુંગળી સહિતનાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ગીર સોમનાથ અને પોરબંદરનાં યાર્ડમાં ખુલ્લામાં રાખેલી મગફળી પણ પલળી ગઈ છે. આજે વેસ્ટન ડિસ્ટબન્સ રાત્રે વાતાવરણ ચોખ્ખુ થઈ જશે. કમોસમી વરસાદની સાથે ઠંડીનો પારો પણ ઉંચકાયો છે જોકે વીજીબીલીટીમાં ઘટાડો થતા હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલ, કાલાવડ, જસદણ સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા મરચી, ડુંગળી, લસણ સહિતનાં પાકોને નુકસાન થયું છે.
શિયાળાની ઠંડી હજુ શરૂ થઈ છે ત્યારે ફરી એકવાર ચોમાસાએ એન્ટ્રી કરી સામાન્ય જનતા અને જગતાતને મુસીબતમાં મુકી દીધા છે. રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં રાજયનાં ઘણા ખરા જિલ્લાઓમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડુતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મગફળી અને કપાસનાં પાક દિવાળી પર પડેલા વરસાદનાં કારણે ધોવાઈ ગયા હતા પરંતુ જયાં શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડુતોની મહેનત પર કમોસમી વરસાદે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે.
સૌરાષ્ટ્રનાં રાજકોટ શહેરમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જયારે ગોંડલ પંથકમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં ઝાપટા પડયા છે. સરહદી વિસ્તાર થરાદ, વાવ, સુઈ ગામમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. દ્વારકાનાં ખંભાળીયા પંથકમાં પણ વાતાવરણ પલટાયું છે. ખેડુતોમાં ચિંતા જોવા મળી છે. વાતાવરણ પલટાવવાથી જીરાનાં પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાય છે.
સૌરાષ્ટ્રભરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ઘણાખરા શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો. પોરબંદરમાં રાત્રે ૪ કલાકે વરસાદનું જોરદાર ઝાપટુ પડતા પાણી ફરી વળ્યા હતા. કોટડાસાંગાણીમાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત લાલપુર-કાલાવડમાં વરસાદી ઝાપટા તેમજ રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉતર ગુજરાતમાં કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારે ગીર સોમનાથ અને વેરાવળ તેમજ પોરબંદરમાં પણ કમોસમી વરસાદ પડતા યાર્ડમાં ખુલ્લી પડેલી મગફળી પલળી ગઈ હતી. સૌરાષ્ટ્રમાં ભરશિયાળે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેડુતો ચિંતામાં મુકાયા છે. વરસાદનાં કારણે શિયાળુ પાક નિષ્ફળ ગયો છે. ઉતર ગુજરાતની વાત કરીએ તો ઉતર-ગુજરાતનાં અમદાવાદ, પાલનપુર, પાટણ, ધનેરા, અંબાજી સહિતનાં વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. સુઈ ગામનાં વરસાદની સાથે મોટા કરા પડયા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૬ ડિસેમ્બર સુધી રાજયનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાનાં કારણે પારો ગગડયો છે. દેશનાં ઉતરી વિસ્તારમાં હજુ ભારે બરફવર્ષા થશે અને ઠંડી વધે તેવી શકયતા વ્યકત કરાઈ છે. હવામાન વિભાગ શુક્રવાર સુધીમાં પંજાબ, ગુજરાત, હરીયાણા અને રાજસ્થાનમાં વરસાદ પડે તેવી સંભાવના દર્શાવી છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી જયારે મહતમ તાપમાન ૨૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને ૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ૧૬મી ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.