દર મહિને 600 નવજાત શિશુનું અવતરણ: ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઝનાના હોસ્પિટલ આશિર્વાદ સમાન
દરરોજ 250 ઓપીડી, 20 થી 22 ડિલિવરી અને 8 થી 9 સર્જરીની સારવાર ઝનાના હોસ્પિટલનો સ્ટાફ સજ્જ
પ્રસુતાને પારિવારીક સધિયારો આપતા તબીબો, નર્સિંગ અને પેરા મેડિકલનો સ્ટાફ: ખાનગી હોસ્પિટલ કરતા અધતન સાધનો સાથેની પુરતી સગવડ
શહેરમાં સરકાર સંચાલિત રસુલખાન ઝનાના હોસ્પિટલમાં દર મહિને 600 નવજાત શિશુનું અવતરણ થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્શિવાદ સમાન ઝનાના હોસ્પિટલમાં બની ગઇ છે. ખાનગી હોસ્પિટલની સરખામણીએ અનેકગણી સારી સગવડ અને સુવિધા ધરાવતી ઝનાના હોસ્પિટલમાં સંવેદના સાથે પ્રસુતિ કરાવવામાં આવતી હોવાથી દર્દીનારાયણી માટે સિવિલ ઝનાના હોસ્પિટલ આશિર્વાદ સમાન ઉભરી આવી છે. ઓછા સ્ટાફ હોવા છતા પણ પ્રસુતાની સાર-સંભાળ અને માવતર જેવી માવજત કરવામાં આવે છે.
સિવિલ ઝનાના હોસ્પિટલમાં રોજ 20 થી 22 ડિલીવરી, 250 ઓપીડી અને 8 થી 9 સર્જરી કરવામાં આવે છે. ફક્ત રાજકોટ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી સિવિલ ઝનાના હોસ્પિટલમાં સગર્ભા સમયગાળાથી બાળકના જન્મ અને તેના બે વર્ષ સુધીની સારવાર માટે 1000 દિવસનો પ્લાન કરવામાં આવે છે. જેથી માતા અને નવજાત શિશુને એક જ છત નીચે સારવાર પુરી પાડવામાં આવે છે.
પહેલાના સમયમાં બાળકનો જન્મ થતાં જ નાડ કાપવામાં આવતી હતી. પરંતુ હાલ સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગના તજજ્ઞો દ્વારા માતાને કાંગારૂં મધરકેર એટલે કે કેએમસી સારવાર આપવામાં આવે છે. જેમાં બાળકનો જન્મ થતા જ તેની નાડ કાપ્યા વગર તેને માતાના શરીર પર જ રાખી દેવામાં આવે છે જેથી નવજાત શિશુને જરૂરી હૂંફ મળી રહે છે અને નાડ ન કાપવાથી નવજાત શિશુને વેક્સિનેશનની જેમ જરૂરી પોષક તત્વો અને પૂરતા પ્રમાણમાં લોહી પણ મળી રહે છે. જેના કારણે બાળક વધુ હુસ્ટપૃષ્ટ રહે છે.
વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગની ઉપર કાર્યરત ઝનાના હોસ્પિટલમાં 6 આઇસીયુ બેડ, મીડવાઇફ કેર યુનિટના બે બેડ, ત્રણ સેપ્રેડ ઓપિડી, ત્રણ ઓપરેશન સ્યુટ્સ અને મ્યુઝિક સિસ્ટમ જેવી પણ સુવિધાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. આ સાથે નો-રિફર પોલીસી ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલ ઝનાનામાં આવતા દર્દીઓને તમામ સારવાર મળી રહે અને તેને ક્યાય બીજે ખસેડવામાં ન આવે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. જેના માટે ઝનાના હોસ્પિટલમાં ગાયનેક વિભાગના તજજ્ઞો તો હોય જ છે સાથે બાળકના જન્મ બાદ તેની માવજત માટે પીડીયાટ્રીકના તબીબો પણ ઝનાના હોસ્પિટલમાં હાજર રહે છે.
ઝનાના વિભાગની નવી માતૃબાળ સંકુલ બિલ્ડીંગ ટૂંક સમયમાં જ કાર્યરત થશે
સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. જેથી સિવિલ હોસ્પિટલનું મહત્વ અનોખું હોય છે. ત્યારે ઝનાના વિભાગમાં પણ સૌરાષ્ટ્રભરની સગર્ભાઓ સારવાર માટે આવે છે. જેની સારવાર માટે કોઇપણ જાતની ઊણપ ન રહે તે માટે ઝનાના વિભાગના વડા ડો.કમલ ગોસ્વામી અને તેમની ટીમ સતત કામ કરતી રહે છે. હાલ ઝનાના વિભાગ માટે ઓછી જગ્યા હોવા છતાં પણ દર મહિને 550 થી 600 ડિલીવરી કરવામાં આવે છે. પરંતુ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે નવનિર્માણ પામી રહેલું ઝનાના વિભાગનું માતૃબાળ સંકુલ એટલે કે એમસીએચ વિભાગ શરૂ થતાની સાથે જ તમામ સુવિધાઓ અને સ્ટાફમાં 40 થી 50 ટકા જેટલો વધારો થશે. બિલ્ડીંગ કાર્યરત થતાની સાથે જ સગર્ભા અને નવજાત શિશુ બંનેને એક જ છત નીચે તમામ સારવાર મળી રહેશે.
ઝનાના વિભાગમાં બર્થીંગ બેડની અદ્યતન સુવિધા સિવિલ ઝનાના વિભાગમાં રોજની 20 થી 22 ડિલીવરી કરવામાં આવે છે. જેમાં સગર્ભાને પ્રસુતિ વેળાએ તેને ફાવે તે રીતે ડિલીવરી કરાવવા માટે 14 બર્થીંગ બેડની સુવિધા રાખવામાં આવી છે. જેમાં સગર્ભાને ઉભા-ઉભા, સુતા-સુતા કે બેઠા-બેઠા અથવા તો ચાલતા-ચાલતા પણ ડિલીવરી થઇ શકે તેવી તમામ સુવિધાઓ ઝનાના હોસ્પિટલમાં મળી રહે છે. એટલું જ નહિં પરંતુ પ્રસુતિ વેળાએ સગર્ભાને થતી પીડાને સહન કરવા માટે અને તેને સંવેદના મળી રહે તે માટે તેના કોઇપણ એક પ્રિય વ્યક્તિને ડિલીવરી સમયે હાજર રહેવાની પણ અનુમતી આપવામાં આવે છે.
આ મમતાસખી પ્રવૃતિ દ્વારા સગર્ભાને વધુને વધુ સંવેદના મળી રહે તે માટે તબીબો તો પારિવારિક માહોલ ઉભો જ કરે છે. સાથે સગર્ભાના પરિવારજનોની હાજરીથી તેને પણ વધુ હિમ્મત મળી રહે છે. દાખલ થયેલા દર્દીઓને માવજત માટે તબીબો દ્વારા રિસ્પેક્ટ ફૂલ મેટરનીટી કેર અંતર્ગત સારવાર આપવામાં આવે છે.
ગુજરાતમાં રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સૌથી વધુ નોર્મલ ડિલિવરી: તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી
સગર્ભાને ડિલીવરી સમયે સિઝીરીયન કરાવવું તેની અને આવનારા બાળક માટે લાભકારક નથી રહેતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગમાં સગર્ભાની નોર્મલ ડિલીવરી માટે બનતા પ્રયત્નો કરવામાં આવે છે. જેના કારણે ગુજરાતભરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં સૌથી વધુ નોર્મલ ડિલીવરી થાય છે. ઝનાના વિભાગમાં ટ્રેડીશનલ મેથડ જેવી કે પાણી સાથે બોલ સાથે કે અન્ય જૂનવાણી મેથડથી જ સગર્ભાઓને નોર્મલ ડિલીવરી કરાવવામાં આવે છે. તો બીજી તરફ નવી બિલ્ડીંગ બનતાની સાથે જ સુવિધા અને સારવાર સાથે સ્ટાફમાં પણ 40 ટકાનો વધારો થશે. આ સાથે નવજાત શિશુની કેર કરવા માટે મિલ્ફ બેંકની પણ શરૂઆત કરવામાં આવશે. જેમાં માતાના દૂધને પ્રિઝર કરી કોઇ કારણોસર માતાથી દૂર રહેલા બાળકને તેનું દૂધ મળી રહે તે માટે પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.
સગર્ભાને સારવાર સાથે સંવેદના મળી રહે તે જરૂરી: ડો.કમલ ગોસ્વામી
ઝનાના વિભાગની વાતચિત દરમિયાન ડો.કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઝનાના વિભાગમાં બે ટ્રાયજ બેડની સુવિધા પણ છે. જેથી દર્દી આવતાની સાથે જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવે છે. જેથી કરીને સગર્ભા અને આવનારા બાળકને કોઇપણ પ્રકારનો ચેપ ન લાગે. તો બીજી તરફ ઝનાના વિભાગની ટીમ દ્વારા દર્દીઓને ફક્ત સારવાર જ નહિં પરંતુ તેને પૂરતી સંવેદના પણ મળી રહે તે માટે કામગીરી કરવામાં આવે છે. લક્ષ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા ચકાસણીમાં રાજકોટ ઝનાના હોસ્પિટલને દેશભરમાંથી પ્લેટેનિયમ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દર્દીઓની સાર-સંભાળ રાખવામાં તો આવે જ છે પરંતુ ગાયનેક વિભાગમાં પ્રેક્ટીસ માટે આવેલા રેસીડેન્સ તબીબોને પણ સાચી દિશામાં વાળવા એ સૌથી મહત્વનું કાર્ય છે. 24 કલાક સુધી દર્દીઓ સાથે રહેતા રેસિડેન્સ તબીબોની કામગીરી પણ સરાહનીય છે.