ઘરે ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ ત્રણેયે એક સાથે દોરી બાંધી કર્યો સામુહિક આપઘાત: ઘર કંકાસના કારણે જીવન ટૂંકાવ્યાની શંકા
લીંબડી તાલુકાના બલદાણા ગામે ખેત મજુર દંપત્તીએ પોતાના બે માસના માસુમ બાળક સાથે કૂંવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા આદિવાસી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બલદાણા ગામે રહેતા ખેત મજુર નાનકા કાલુ સપનીયા તેની પત્ની કોપીબેન અને બે માસનો બાળક શૈલેષની બલદાણા ગામના કૂંવામાંથી લાશ મળી આવતા પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહીંની હોસ્પિટલમાં ખસેડયા છે.
નાનકા સપનીયા પાંચેક દિવસ પહેલાં ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યા બાદ ત્રણેય કૂંવામાં દોરી બાંધેલી હાલતમાં મળી આવતા વાડીના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં દંપત્તી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાના કારણે બંનેએ બાળકને દોરી બાંધી દંપત્તીએ પણ દોરી બાંધી જીવન ટૂંકાવ્યાની શંકા સાથે તપાસ હાથધરી છે.
મૃતક નાનકા સપનીયાના એકાદ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે. નાનકા સપનીયાએ પાંચ દિવસ પહેલાં જ પત્ની અને માસુમ પુત્ર સાથે કૂંવામાં પડતું મુકી આપઘાત કરી લીધો હોવાથી ત્રણેય મૃતદેહ અતિશય કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા એક જ પરિવારની એક સાથે ત્રણ વ્યક્તિના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે.