- હર્બલ પ્રોડક્ટના વેચાણના નામે ઓનલાઈન છેતરપિંડીનો મામલો
- અગાઉ બે એકાઉન્ટ હોલ્ડર ઝડપાઈ ગયાં બાદ કનુ રાછડિયાની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ
બેડી યાર્ડના વેપારીને હર્બલ પ્રોડક્ટ વેચાણના નામે રૂ. 95 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરી લેનાર મુખ્ય સૂત્રધાર કનુ રાછડિયાની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉ જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બે એકાઉન્ટ હોલ્ડર ઝડપાઈ ગયાં બાદ હવે મુખ્ય સૂત્રધારને પણ ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર હર્બલ પ્રોડક્ટની ખરીદી કરી તેને યુએસએમાં વેચાણ કરી મોટો નફો કમાવવાની લાલચમાં એક વેપારી સાથે ઓનલાઇન રૃા. 95 લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ ગત ઓગસ્ટ માસમાં નોંધાઈ હતી. મોરબી રોડ પરના સેટેલાઇટ ચોકમાં શ્રીવાટિકા સોસાયટીમાં રહેતા વિમલભાઈ ગાંડુભાઈ ડોબરીયા (ઉ.વ.40)ને બેડી માર્કેટિંગ યાર્ડમાં શ્રીરામ ઇમ્પેક્સ નામની પેઢી છે. તેણે પોલીસને જણાવ્યું કે છેલ્લા 19 વર્ષથી તે પેઢી ધરાવે છે. એકાદ વર્ષ પહેલા તેના ભાણેજ વિરાજ રમેશભાઈ પરસાણા (રહે. શિવગંગા ગુજરાત સોસાયટી, પેડક રોડ)ને તેના મેઇલ આઈડીમાંથી એક મેઇલ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વિદેશી કંપનીને પોલો હોર્સ માટે ભારતમાં એક્સપોર્ટર માટે આસીસ્ટન્ટ કંપનીની જરૂર છે.
એટલું જ નહીં તેના ભાણેજને બીજા કેટલાક મેઇલ આઈડી પરથી મેઇલ આવ્યા હતા. મોબાઇલથી પણ સંપર્ક કરાયો હતો. જેને કારણે તેનો ભાણેજ વિરાજ તેની પેઢીએ રૂબરૂ આવ્યો હતો અને તેને સમજાવ્યું કે ભારતની લોકલ કંપની પાસેથી હર્બલ પ્રોડક્ટની ખરીદી કરી તેને યુએસએ ખાતે સપ્લાય કરવાની છે. આ માટે ભારતની પવનકુમાર નામની કંપની પાસેથી માલની ખરીદી કરી તેને યુએસએ મોકલવાની રહેશે. જેથી તેણે ભાણેજ વિરાજના કહેવાથી તેની બંને પેઢીના બેંક ખાતામાંથી આરોપીઓએ જણાવેલ બેંક ખાતામાં રૂ. 95 લાખ ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારપછી તેના ભાણેજના ઘરે કુરિયર આવ્યું હતું. બાકીના પાર્સલ મવડી ચોકડી પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસે લેવા માટે તે અને તેનો ભાણેજ વિરાજ ગયા હતા.
પાર્સલ લઇ ઘરે આવી તેને ખોલતા તેમાંથી હર્બલ પ્રોડક્ટને બદલે માટી નીકળી હતી. પરિણામે પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતા સીઆઇડી ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં તેના ભાણેજ વિરાજનો જુદા-જુદા મેઇલ આઈડી પરથી સંપર્ક કરનારા, જે બેંક ખાતામાં 95 લાખ જમા કરાવ્યા હતા તેના ખાતાધારક અને જે મોબાઇલ નંબર પરથી સંપર્ક કરાયો હતો તેના ધારકોને આરોપી બનાવી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે જે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટ હોલ્ડર હિતેશ બાબુ અને હિતેશ મોણપરાની ધરપકડ કરી હરી. બાદમાં સાયબર ક્રાઇમ પોલીસ મુખ્ય સૂત્રધારની શોધખોળ કરી હતી. દરમિયાન ટેક્નિકલ રિસોર્સથી માહિતી મળતાની સાથે જ કનું રાછડીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
શેરબજારના નામે ઠગાઇ કરનાર વલસાડના શખ્સની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના રૂક્ષ્મણી હાઇટ્સમાં રહેતા નિશાબેન યશવંતભાઇ પેઢડિયા (ઉ.વ.39)ને સ્ટોક માર્કેટમાં રોકાણથી મોટું વળતર મળવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.17.44 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલામાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે વલસાડના ઉદવાડાની સન રેસિડેન્સીમાં રહેતા હરિશ વેલજી ભાનુશાળી (ઉ.વ.53)ને ઝડપી લઇ તેને એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. મળતી માહિતી મુજબ મહિલા સાથે થયેલી લાખોની છેતરપિંડીનો મામલો પોલીસ દફતરે નોંધાતા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ભોગ બનનાર નિશાબેનના ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થઇ હતી તે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થઇ હતી. જેમાં એસબીઆઇનું એક એકાઉન્ટ ઉદવાડાના હરિશ વેલજી ભાનુશાળીનું હતું તે એકાઉન્ટની તપાસમાં નિશાબેને ગુમાવેલા રૂ.17.44 લાખમાંથી રૂ.10.50 લાખ હરિશ ભાનુશાળીના ખાતામાં જમા થયો હતો. માહિતી સ્પષ્ટ થતાં જ હરિશની ધરપકડ કરવામાં આવી હતી. હરિશે કબૂલાત આપી હતી કે, મુંબઈ એક શખ્સનો પરિચય થયા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તેને આવા કામ માટે ફર્નિચર સહિતની એક દુકાન ભાડે આપવામાં આવી હતી. તે દુકાનમાં બેસી પોતે લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવવા, ખરીદવા સહિતની કામગીરી કરતો હતો. ગઠિયાઓએ માસિક પગાર ચૂકવવાની પણ લાલચ આપી હતી. પોલીસે મુંબઇના શખ્સની શોધખોળ શરૂ કરી હતી.