ક્રિપ્ટો કરન્સી: ખોટું રોકાણ અને મોટું આર્થિક નુક્સાન
હજારો રોકાણકારોના નાણાં ડૂબ્યાં: કોઈએ મરણમૂડી તો કોઈએ વ્યાજે નાણાં ઉપાડી કર્યું હતું રોકાણ
આજકાલ ક્રિપ્ટો કરન્સીમાં લોકોને ટ્રેડ કરવું વધારે ગમતું હોય છે. લોકો શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરવા લાગ્યા છે પરંતુ આ કોઈ હાર્ડ કરન્સી નથી. ક્રિપ્ટો કરન્સીમાં આર્થિક નુક્સાનનું જોખમ પણ રહેલું છે. એકતરફ હાલ ભારત સહીત અનેક દેશોમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવું જ ગેરકાયદેસર છે ત્યારે બીજી બાજુ કૌભાંડીઓને જાણે સરળતાપૂર્વક નાણાં ખંખેરવાનો સરળ માર્ગ મળી ગયો હોય તેવી રીતે લોકોને ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચે રોકાણ કરાવી કરોડો રૂપિયા ચાઉં કરી જવા માટે હાલ ક્રિપ્ટો કરન્સીની ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવા જ એક કૌભાંડનો પર્દાફાશ અબતક મીડિયા કરી રહ્યું છે.
તેવું જ એક મસમોટું કૌભાંડ ’અબતક’ મીડિયાના ધ્યાને આવ્યું છે. જેમાં હજારો લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. ઉંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. મુંબઈ-ગોઆ જેવા શહેરોમાં મિટિંગો કરી રોકાણકરોને આકર્ષવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોકોની રોકાણની રકમ એકાએક પાણીમાં ડુબાડી દઈ અબજો રૂપિયાનું કૌભાંડ આચરી લેવામાં આવ્યું છે. જો કે, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવું અને કરાવવું બંને ગેરકાયદે હોવાને લીધે રોકાણકારોનો ’ચોરની માં ઘંટીમાં મોં સંતાડી રોવે’ જેવો ઘાટ ઘડાયો છે. ઉલ્લેખનીય બાબત છે કે, સમગ્ર કૌભાંડમાં મધ્યમ વર્ગના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. અતિ નોંધનીય બાબત એ પણ છે કે, અમુક બેસહારા વૃદ્ધો અને બેરોજગાર યુવાનોએ આવકનું સાધન ઉભું કરવા મરણમૂડીનું રોકાણ કર્યું હતું. અમુક લોકોએ તો વ્યાજે નાણાં મેળવીને પણ રોકાણ કર્યાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રોકાણકારોના નાણાંનું ફૂલેકું ફેરવવા અંકલેશ્વરનો મકસુદ સૈયદ, સંદીપ વાઘેલા આણી ટોળકીએ બ્લોક ઔરા નામની એક વેબસાઈટ બનાવી ટી બેક નામની એક ક્રિપ્ટો કરન્સી અંદાજિત બે વર્ષ પૂર્વે લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોને આ કરન્સીમાં રોકાણ કરાવવા માટે પ્રથમ આંબા આંબલી બતાવવા ગોઆ-મુંબઈ જેવા શહેરોમાં લઈ જઈને મિટિંગો કરવામાં આવતી હતી. જ્યાં કૌભાંડીઓ રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપતાં હતા. રોકાણકારોને ભોળવી લેવા બોગસ સંતુષ્ટ રોકાણકારો પણ ઉભા કરવામાં આવતા હતા. એટલું જ નહીં યુ ટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવી હેપી કસ્ટમર, ઇન્ટરનેશનલ ટુર વિનર સહિતના વિડીયો પોસ્ટ કરવામાં આવતા હતા અને ત્યારબાદ અન્ય રોકાણકારોને આ વિડીયો બતાવી આકર્ષવામાં આવતા હતા.
ત્યારબાદ અંદાજિત રૂ. 2 લાખ લઈને રોકાણકારોને આઈડી – પાસવર્ડ આપવામાં હતા. ત્યારબાદ લોકોએ ટી બેક નામની કરન્સીમાં ટ્રેડિંગ કરવાનું હોય છે. જે તે સમયે આ કરન્સીનો અંદાજિત ભાવ 60 ડોલરથી પણ વધુ હતો. એટલે રોકાણકારોએ ટી બેકનો એક કોઈન 60 ડોલર એટલે કે 5 હજાર રૂપિયામાં ખરીદતા હતા. સમય જતા કૌભાંડીઓએ એકાએક આ કરન્સીનો ભાવ તળિયા ઝાટક કરી નાખતા લોકોએ 60 ડોલરમાં ખરીદેલા કોઈનનો ભાવ 5 ડોલર પર પહોંચાડી દેવામાં આવ્યો. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં રોકાણકારોના પગ તળેથી જાણે જમીન જ ખસી ગઈ હતી. ઉલ્લેખનીય બાબત છે કે, અંદાજિત 20 હજાર લોકોના 400 કરોડ જેવી માતબર રકમ કૌભાંડીયાઓએ મિનિટોમાં ધૂળધાણી કરી નાખી હતી.
પૈસા ગુમાવનાર રોકાણકારોએ આ મામલે કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ભૂમિકા ભજવનાર અંકલેશ્વર જિલ્લાના મકસુદ સૈયદ અને સંદીપ વાઘેલાને ઉધડો લેવાનું શરૂ કર્યું હતું પણ કૌભાંડીઓને આટલાથી સંતોષ નહીં થતાં હજુ એક કરન્સી લોન્ચ કરવાની તૈયારી હોય રોકાણકારોને ખોટું આશ્વાસન આપવામાં આવી રહ્યું હતું. ટૂંક સમયમાં ફરીવાર કરન્સીના ભાવ ઉંચા આવી જશે તેવા આશ્વાસનના સપનાનું બાળ મરણ થયાં બાદ રોકાણકારોએને અહેસાસ થયો હતો કે, તેમની સાથે મોટી છેતરપિંડી આચરી લેવામાં આવી છે. રોકાણકારો તેમના નાણાં પરત મેળવવા વલખા મારી રહ્યા છે પણ હવે કૌભાંડીઓ દાદ ન દેતા હોય અંતે ભોગ બનનારાઓએ અબતક મીડિયાનો સંપર્ક કરી આપવીતી વર્ણવતા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હતો.
આઈડી ખોલવા આંગડિયા પેઢી મારફત નાણાંની કરાઈ હતી હેરફેર
સૌ પ્રથમ રોકાણકારો પાસે ટ્રેડિંગ માટે ક્રિકેટ સટ્ટા અને એમસીએક્શન માફક આઈડી શરૂ કરવા રૂ. 2 લાખની રકમ ઉઘરાવવામાં આવતી હતી. આ આખો વહીવટ આંગડિયા પેઢી મારફત કરવામાં આવતો જેથી તેનો કોઈ નાણાકીય રેકોર્ડ મેળવી શકાય નહીં. અનેક રોકાણકારોએ આંગડિયા પેઢી મારફત મકસુદ સૈયદ અને સંદીપ વાઘેલાને મોકલેલા નાણાંની પહોંચ અબતક મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
ક્રિપ્ટો કરન્સીના કૌભાંડનું દુબઇ કનેક્શન!!
ભારતમાં ક્રિપ્ટો કરન્સી પ્રતિબંધિત હોવાથી કૌભાંડીઓએ ચાલાકી પૂર્વક કરન્સી સિંગાપુરથી લોન્ચ કરી હતી. સમગ્ર કૌભાંડમાં બે મોટા મગરમચ્છો દુબઇથી બેસી આખુ નેટવર્ક ઓપરેટ કરતાં હોય તેવી માહિતી મળી રહી છે. દુબઇ બેઠા બેઠા હજારો લોકોને છેતરી અબજો રૂપિયા ચાઉં કરી જનારા અવાર નવાર ભારત આવી ગોઆ-મુંબઈ જેવા શહેરોમાં મિટિંગો પણ કરતાં હોય છે. જે રીતે વિગતો મળી છે તે પ્રમાણે આ મગરમચ્છો અનેક બોગસ પાસપોર્ટ થકી ભારતમાં પ્રવેશ મેળવે છે જેથી તેમની ઓળખ છુપાવવા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરાતો હોય તેવું પ્રાથમિકત તારણ સામે આવી રહ્યું છે.
ટી બેકમાં છેતર્યા બાદ હવે પેનોરમા મારફત લૂંટ ચલાવવા કૌભાંડીઓ રઘવાયા
ટી બેક નામની કરન્સીમાં અંદાજિત 20 હજારથી વધુ રોકાણકારોના અબજો રૂપિયા ચાઉં કરી લીધા બાદ હવે કૌભાંડીઓ પેનોરમા નામની કરન્સી લોન્ચ કરી વધુ એકવાર મોટું કૌભાંડ આચરવા રઘવાયા થયાના અહેવાલ છે. હાલ સુધી ટી બેક કરન્સીના સોદા ડોલરમાં પાડવમાં આવતા હતા પણ પેનોરમા કરન્સીના સોદા રૂપિયામાં પાડવામાં આવશે તેવી પ્રાથમિક વિગત સામે આવી રહી છે.
રાજકોટ – સૌરાષ્ટ્રના સેંકડોના નાણાં ડૂબ્યા : ટૂંક સમયમાં થશે કડાકા ભડાકા
ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચે રોકાણ કરી લાડવો લઈ લેવામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના પણ અનેક રોકાણકારો સાથે છેતરપિંડી આચરી લેવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી સેંકડો લોકો આ છેતરપિંડીનો શિકાર બન્યા છે ત્યારે હવે આ મામલે પોલીસ તપાસનો પણ ધમધમાટ શરૂ થઇ ચુક્યો છે અને અબતક મીડિયા પણ ટૂંક સમયમાં આ દિશામાં વધુ ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે.