કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના કારણે ૪૪ જવાનો શહીદ થયાની ઘટનાથી ભારે ગમગીની: સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કેન્ડલમાર્ચ યોજીને શહીદોને શ્રઘ્ધાંજલી અપાઇ

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આત્મઘાતી હુમલાના કારણે ૪૪ જવાનો શહીદ થયા છે. આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચંડ જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ઘટનાની જાણ થતાવેંત સાંજના સમયે સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કેન્ડલમાર્ચ યોજીને નાગરિકો દ્વારા શહીદોને શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેક ગામો તેમજ શહેરોમાં આજે શહીદોને શ્રઘ્ધાંજલી પાઠવવા અર્થે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનોની બસો પસાર થઇ રહી હતી. આ વેળાએ આતંકવાદીઓનો આત્મઘાતી હુમલો થતા ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ઠેર-ઠેર જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ઉરીમાં ભારતીય સૈન્ય પર હુમલો થયો તે વખતે ૧૯ જવાન શહીદ થયા હતા. તે પછી સૈન્ય ઉપર થયેલો આ સૌથી મોટો હુમલો છે. આ ઘટના બહાર આવ્યા બાદ ગઇકાલે સાંજે સૌરાષ્ટ્રના અનેક શહેરો તેમજ ગામોમાં વિવિધ સંગઠનો ઉપરાંત નાગરિકો દ્વારા કેન્ડલમાર્ચ યોજીને શહીદોને શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી હતી. સાથે આતંકવાદીઓના આ કૃત્યને વખોડી કાઢવામાં પણ આવ્યું હતું. આ ઉપરાંત સીઆરપીએફના શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રઘ્ધાસુમન અર્પણ કરવા માટે સૌરાષ્ટ્રભરમાં આજે પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
છે.૪૪ જવાનો શહીદ થયાની આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ગમગીની છવાઇ જવા પામી છે.

પુલવામા દુર્ઘટનાના પગલે રાજકીય કાર્યક્રમો મોકુફ રખાયા

ગઇકાલે કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા રાજકીય નેતાઓએ શોક પ્રગટ કર્યા છે. આ સાથે અનેક રાજકીય કાર્યક્રમો પણ મોકુફ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શ્રમદાન કરીને આજરોજ તરણેતર ખાતેથી સુજલામ સુફલામ જળસંગ્રહ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવાના હતા. પરંતુ પુલવામાની દુર્ઘટનાના પગલે આ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ધોરાજીમાં ભાજપનું કલ્સ્ટર સંમેલન યોજવાનું આયોજન કરાયુ હતુ આ સંમેલન પણ રદ કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી બેઠક યોજાવાની હતી. પુલવામા દુર્ઘટનાના કારણે કોંગ્રેસની આ બેઠક રદ કરવામાં આવી છે. ૪૪ જવાનો શહીદ થયાની આ ઘટનાના કારણે અનેક રાજકીય કાર્યક્રમોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.