Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા દુધઈમાં પૂન:વસનના નામે સરકારી જમીન હડપ કરી લેવાનો કોંગ્રેસનો આક્ષેપ

દિલ્હીના  ભાજપના સાંસદની સંસ્થા રાષ્ટ્રીય  સ્વાભિમાન  સંસ્થા દ્વારા  કચ્છમાં  ભૂકંપગ્રસ્ત  દુધઈ ગામે પુન:વસનના  નામે કરોડો રૂપીયાનું જમીન કૌભાંડ  આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ  દ્વારા   કરવામાં આવ્યો છે.

ભાજપના દિલ્હીના સાંસદની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુન:વસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ કરતા કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા  વી.કે. હુંબલ,  પ્રદેશ કોંગ્રેસના  પ્રવક્તા ડો. મનિષ દોશી  જણાવ્યું હતું કે, ભૂકંપ પુનવર્સન જુન – 2001માં કચ્છનું પ્રથમ ગામ દુધઈનું લોકાર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના હસ્તે કરવામાં આવ્યું. કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના દુધઈ ગામનું પુનર્વસનની કામગીરી ‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’, દિલ્હી દ્વારા કરવામાં આવેલ જેના પ્રમુખ દિલ્હીના પૂર્વ સી.એમ. સાહિબસિંહ વર્મા હતા અને હાલ તેમના પુત્ર અને દિલ્હીના ભાજપા સાંસદ પ્રવેશ વર્મા છે. કચ્છમાં ભુકંપગ્રસ્ત પરિવારને પુન:સ્થાપનમાં કોંગ્રેસની સરકારો દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર દ્વારા જવાહરનગર ચાંદ્રણી, કનૈયાબે અને વરસાણા આધોઈ અને વોંધ, કોટાય, ચંદિયા જેટલા ગામો પુનર્વસન કરેલ, કચ્છમાં 100 થી વધારે સંસ્થાઓએ પુનર્વસન કરી અને ગ્રામજનો તેમજ પંચાયતને કબ્જા સુપ્રત કરી પરત ગયેલ જયારે રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા છેલ્લા 22 વર્ષથી દુધઈ ગામનો કબજો જમાવી બેઠેલ છે.

વર્ષ 2001માં માત્ર વાહવાહી મેળવવાના માટે મકાનોમાં શૌચાલય, ફલોરિંગ કર્યા સિવાય સહિતના અધૂરા મકાનો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યાં. આ સંસ્થા દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદેસર રીતે કોલેજો, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાઓ, કોમ્યુનીટી હોલ બનાવી અને કોમર્શીયલ ધોરણે મસમોટી રકમ ભાડા પેટે વસુલવામાં આવે છે જે ખરેખર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુન્હાપાત્ર છે. સંસ્થા દ્વારા જે મકાનો સરકારની લોકભાગીદારીથી બનેલ છે છતાં ઘણા મકાનો સંસ્થાએ કબજામાં રાખેલ છે અને આવા મકાનોમાં સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓ, શિક્ષકો અને અન્ય લોકો પાસે થી ભાડા વસુલવામાં આવે છે.

ભાજપાના સાંસદની સંસ્થા દ્વારા કુલ 648 મકાનો બનાવવામાં આવ્યા, જેમાં દુધઈ ગ્રામજનોને માત્ર 476 મકાનો ગ્રામજનોને આપેલા હતા અને બાકીના 172 જેટલા મકાનો સંસ્થાએ પોતાના કબ્જામાં રાખ્યા. જે પૈકી આ સંસ્થા 8 થી 10 લાખ રૂપિયા વસૂલી રાજ્ય બહારના તેમજ ભુકંપ પીડીત ન હોય તેવા અન્ય લોકોને ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેચાણ કરી દીધા છે. આ સંસ્થા દ્વારા ગામની સરકારી પર ગેરકાયદે કબજો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફીસ જેવી સરકારી કચેરી પાસેથી મસ મોટું ભાડું વસુલાઈ રહ્યું છે.

‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’ દ્વારા સર્વે નં. 116માં અંદાજીત 150 જેટલી દુકાનો બનાવી દુધઈ તેમજ દુધઈ બહારના લોકોને 8 થી 10 લાખ રૂપિયામાં ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રી કરાવ્યા વગર વેચાણ કરી રહેલ છે. આ સંસ્થા દ્વારા સ્કૂલો તેમજ જુદી-જુદી સંસ્થાઓને જેમ ડી.એ.વી. સ્કુલ તેમજ નિરાકારી સંસ્થાને 10 થી 15000 ચો.મી. જેટલી સરકારી જમીન ફાળવી દેવામાં આવેલ છે. જે શાળા મસમોટી ફી વસૂલી રહી છે.

આ સંસ્થા દ્વારા ગ્રામજનો માટે કોમ્યુનીટી હોલ સરકારની ભાગીદારીથી સાથે બનેલ હોવા છતાં 15 થી 20,000 હાજર જેટલું ભાડું કોઈ પણ પ્રસંગ માટે વસુલ કરાય છે. આ સંસ્થા દ્વારા જે ખાનગી જમીનો ખરીદેલ છે જે પૈકી ઘણી જમીનો શ્રી સરકારની પણ છે અથવા તો નવી શરતની પણ છે. અને જે જમીનનું પ્રીમીયમ પણ ભરેલ નથી અને ગેરકાયદેસર રીતે આ સંસ્થા દ્વારા કબજો જમાવી બેઠેલ છે. આ સંસ્થા દ્વારા બાબા નાહરસિંહ ઇન્દ્રપ્રસ્થ કોલેજ, સંત નિરાકારી વિદ્યાભવન, હાઈસ્કુલ તેમજ પ્રાથમિક શાળા જેવા સરકારી જમીન ઉપર બિલ્ડીગો ઉભા કરી અને કોમર્શીયલ ધોરણે ફીસની પણ વાસુલાત કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે.

આ સંસ્થા સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ જોડાયેલા છે જે ને કારણે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તાજેતરમાં જ સરકારી જમીન ગામતળ તરીકે પંચાયતને નીમ થઇ ગયેલ હોવા છતાં કબજો છોડવામાં આવતો નથી અને વહીવટી તંત્ર દ્વારા કબજો આપવામાં માટે કોઈ પણ કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ નથી જે ગંભીર બાબત છે. સામાન્ય માણસનું ઝૂંપડું તોડવામાં બહાદુરી બતાવનાર વહીવટી તંત્ર ભાજપનાં સાંસદની કેમ ઘૂંટણિયે છે ?. સમગ્ર કૌભાંડની ન્યાયાધીશનાં વડપણ હેઠળ તપાસ કરવામાં આવે અને કૌભાંડમાં ખોટી રીતે કબજો કરનાર સંસ્થા સામે ’લેન્ડ ગ્રેબીગ એકટ’ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા  વી.કે. હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી, પ્રવક્તા  હિરેન બેંકર દસ્તાવેજી પુરાવા સાથે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.