- એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગતા નુકશાન વધ્યું
- આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર ફાઈટરોએ કવાયત હાથ ધરી
- આગ કયા કારણોથી લાગી તે અંગે માહિતી હજુ અકબંધ
સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી એફસીઆઈના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગી હતી અને વધુ ભભૂકી ઉઠી હોવાની પણ માહિતી મળી છે. આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર ફાઈટરોએ કવાયત હાથ ધરી છે.
આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ માહિતી મળી શકી નથી.થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતનાં સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટર તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતાં દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે થાનગઢના નાયબ કલેક્ટર હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનમાં કે જે ભાડાના મકાનમાં આવેલું છે, જેમાં મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ રાખવામાં આવેલી હતી. એ કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, હાલ આગને કાબુમાં લઇ લેવાઇ ગઇ છે. બીજો કોઈ અન્ય કપાસનો જથ્થો કે અન્ય જણસી પડી છે, એમાં કોઈ નુકસાન થયુ નથી. પરંતુ મગફળીના સ્ટોકમાં કેટલાક કટ્ટા બળી ગયેલા માલુમ પડે છે.
મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ સરકારી ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો હતો અને કેટલાનું નુકસાન છે તે જોવું રહ્યું.
અહેવાલ : રણજીતસિંહ ધાંધલ