વિસ્ફોટના કારણે ફેકટરીનો શેડ ભાંગીને ભુક્કો થયો
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારીઓ દ્વારા ફેક્ટરીને કલોઝર નોટિસ ફટકારાઈ
અબતક,રાજકોટ
રાજકોટની મેટોડા જીઆઈડીસી ગઈકાલે પર્વ મેટલ નામની ફેક્ટરીમાં ધડાકાભેર ભઠ્ઠીમાં પ્રચંડબ્લાસ્ટ થતા ભારે અફરતફરી મચી ગઇ હતી.જેમાં કારખાનામાં કામ કરતા 11 જેટલા મજૂરો દાઝ્યા હતા અને હવાયા હતા તેમાંથી એક મજૂરનો ગઈકાલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્યની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રચંડ વિસ્ફોટના કારણે ફેક્ટરીનો છે ભાંગીને ભૂકો થયો હતો ત્યારે વિસ્ફોટ થતા આસપાસના અડધો કિલોમીટર જેટલા વિસ્તારોમાં ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય પસરી ગયો હતો.જેમાં આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારીઓ દ્વારા ફેક્ટરીને કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
વિગતો મુજબ મેટોડમાં આવેલ પર્વ મેટલમાં ગઈકાલ સવારે આશરે પોણા નવ વાગ્યાના અરસામાં કામ ચાલુ હતું ત્યારે ઈલેકટ્રીક ભટ્ટી ધડાકાભેર ફાટી હતી. સંભવત: ટેમ્પરેચર વધી જતા ફાટેલી ઈલેકટ્રીક ભઠ્ઠીનો પ્રચંડ અવાજ અડધા કિલોમીટર સુધી સંભળાતા આસપાસના લોકોને ધરતીકંપ થયો હોય તેવો અહેસાસ થયો હતો.જયાં ઘટના બની તે કારખાના અને તેની આસપાસના 200 મીટર જેટલા વિસ્તારમાં આવેલી સેકશનની બારીઓ અને કાચના ભુક્કા બોલી ગયા હતા. પર્વ મેટલના શેડના છાપરા ધડાકાભેર ઉડીને દુર દુર સુધી ફંગોળાયા હતા.
આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ બે મજુરોને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં મુળ યુપીના અરવિંદ જયરામ ચૌહાણ (ઉં.વ.30) નું મૃત્યું નિપજયું હતું. જ્યારે ઘાયલોમાં સુનિલ હરિકૃષ્ણ ચૌહાણ, સંજય શ્રીરામજી ચૌહાણ, પપ્પુ સુગર ગોર, શ્યામલાલ ભુરખનાથ ચૌહાણ, હરીન્દ્ર સોહન ચૌહાણ, શ્યામશંકર ઉર્ફે બબલુ રાકેશ યાદવ, મનોજ રામભુજ મહંતો, સોનુ રાજેશ ચૌહાણ, સુનિલ ભરત મહંતો અને જીતેન્દ્ર સ્વામિનાથ ચૌહાણનો સમાવેશ થાય છે. હજુ એક મજુરની હાલત ગંભીર ગાણાવાય છે. અમુક શ્રમિકોને મેટોડા અને બાકીનાઓને રાજકોટની હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
આ ઘટનાને પગલે પર્વ મેટલમાં આગ ભભૂકી ઉઠી હતી. જે ફાયરબ્રિગેડના સ્ટાફે જઈ ઠારી હતી. ક્રેઈનની મદદથી કાટમાળ કે જેમાં મુખ્યત્વે પતરા હતા તેને દુર કરાયા હતા. જોત જોતામાં કારખાનાનો સમગ્ર શેડ ખંઢેરમાં તબદીલ થઈ ગયો હતો. જાણ થતા લોધીકા પોલીસ ઉપરાંત મામલતદાર સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો.હાલ ટ્રેમ્પ્રેચર વધી જવાથી વિસ્ફોટ થયા હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ એફએસએલની ટીમની તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.