ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ઈન્ટરમીડિએટની સગીર વિદ્યાર્થીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યાના મામલે કોર્ટે ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. ત્રણેય આરોપીઓ ઉપર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સગીરાના પરિવારજનોએ કોર્ટના ચુકાદાને ન્યાયની જીત ગણાવી છે.
ઉલ્લેખનિય છે કે, 2 જાન્યુઆરી, 2018 ના રોજ શહેરના ચાંદપુર રોડ પર રહેતી ઈન્ટરમીડિએટની 17 વર્ષિય વિદ્યાર્થીની પર કાર સવાર ત્રણ યુવકોએ અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી અને લાશને દાદરી લઇ જઇ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ બાદ ખુલાસો કરવામાં આવ્યો અને સિકંદરાબાદ વિસ્તારનો રહેવાસી દિલશાદ, ઇઝરાઇલ અને ઝુલ્ફિકારની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તપાસ પુરી કર્યા બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ / પોસ્કો એક્ટ રાજેશ પરાશરે ત્રણેય આરોપીઓને સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવા અને તેની સાથે ગેંગરેપ કરવાનો દોષી ઠેરવ્યો હતો. બુધવારે ન્યાયાધીશે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો અને ત્રણેય આરોપીઓને ફાંસીની સજા અને દંડની સજા સંભળાવી હતી. મૃતકના પિતા અને માતાએ તેને ન્યાયની જીત ગણાવી હતી.