- કરૂણાંતિકા : દ્વારકાના પરિવારનો ધારાગઢ ગામે સામુહિક આપઘાતથી ભારે ચકચાર
- જામનગરમાં રહેતા પરિવારના ચાર સભ્યોનો રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું
હાલાર પંથકમાંથી એક અત્યંત કરુણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં રહેતો મૂળ દ્વારકાના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કરણ શોધવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ક્યાંક ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા અને વ્યાજંકવાદીના સતત ત્રાસથી કંટાળી પરિવારે વખ ઘોળી લીધું હોય તેવું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે.
દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારેય લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે તથા આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગરનાં માધવબાગ-1માં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવ્યો હતો. જે બાદ ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે. નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.
જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આજે બુધવારે સાંજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ હતી.
મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળ્યા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. જો કે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અને પુરાવાઓ એકત્રિત કરીને પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ ઘટનાએ જામનગર જિલ્લાભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. હાલ પોલીસ દ્વારા ગામના લોકો પાસેથી પરિવારના આપઘાતનું કારણ જાણવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સતાપર જવાનું કહીને નિકળ્યા બાદ આપઘાતના સમાચાર મળ્યા
મૃતક કારખાનેદાર અને તેનો પરિવાર સતાપર ગામે જવાનું કહીને નીકળ્યો હતો. જે બાદ બપોરના સમયે ભાણવડ પોલીસ મથકમાંથી પરિવારના ચારેય સભ્યોના આપઘાતના સમાચાર મળતા પરિજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મૃતકના પરિજનો તાત્કાલિક કલ્યાણપુર સરકારી હોસ્પિટલ દોડી ગયાં હતા.
આર્થિક ભીંસમાં પરિવારે વખ ઘોળી લીધાનું પ્રાથમિક તારણ
બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારના આપઘાત પાછળ ક્યાંય આર્થિક ભીંસ કારણભૂત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ગણતરીના દિવસો પૂર્વે જ મૃતક પરિવારનો શંકર ટેકરી પાસે પટેલ એસ્ટેટમાં ચામુંડા કાસ્ટ નામના બ્રાસના કારખાને કોઈકે પૈસાની ઉઘરાણી કરી માથાકૂટ પણ કરી હતી. જે આખેઆખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થયાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે સીસીટીવી કબ્જે કરી આ દિશામાં તપાસ હાથ ધરી છે.