111 ભાવિકો શુધ્ધ શાસ્ત્રોક્ત ઉચ્ચાર સાથે કરશે પઠન

ગીતા વિદ્યાલયના 58માં વર્ષમાં પ્રવેશ નિમિતે કાલ તા.3ને શનિવારના રોજ જંક્શન પ્લોટ, મેઇન રોડ, ગીતા વિદ્યાલય ખાતે ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાના પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો.કૃષ્ણકાંત મહેતા, શૈલેષભાઇ જોશી વિગેરેએ વિશેષ માહિતી આપી હતી.

જંક્શન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ તા.3ને શનિવારે ગીતા જયંતિના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવ સેવાના 57 વર્ષોની સેવા યાત્રા પૂર્ણ કરીને 58માં વર્ષમાં પ્રવેશ કરે છે.

રાજકોટમાં જંક્શન પ્લોટ ખાતે છેલ્લા 57 વર્ષોથી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિ:શુલ્ક મેડિકલ નિદાન સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તક મેળો, મેડીકલ સાધન સહાય, જ્ઞાનયજ્ઞ, બાળ મજૂરી નાબુદી અભિયાન, સતસાહિત્યનું વિતરણ, મહોત્સવોની ઉજવણી, વ્યસનમુક્તિ, યોગશિબિર, ભજનસંધ્યા, ભગવદ્ગીતા પારાયણ વગેરે સેવા પ્રવૃત્તિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. ગીતા જયંતિ નિમિતે શનિવારે ગીતા વિદ્યાલયમાં સાંજે 4-30 થી 7-30 સુધી ભગવદ્ ગીતાના સામૂહિક સંપૂર્ણ ગીતાપાહનું આયોજન કરેલ છે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર શિવજીના સમસ્ત પરિવારના અને ચાર ધામના દર્શન એક જ સ્થળે થતાં હોય તેવા દેવસ્થાન ગીતા મંદિર (ગીતા વિદ્યાલય)નું રાજકોટમાં નિર્માણ થયું.

ગુજરાતમાં સૌ પ્રથમવાર ગીતા પ્રેસ ગોરખપુરના ધાર્મિક પુસ્તક મેળાનું સફળ આયોજન ગીતા વિદ્યાલયમાં થયું. ગુજરાતમાં સૌ પ્રથમવાર ગ્રેનાઇટમાં સુવર્ણ અક્ષરે ગુજરાતી ભાષામાં પ્રમાણિત ગીતાસાર તથા ગીતા વરદાનની ગીતા વિદ્યાલયમાં ઉપલબ્ધિ થઇ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.