તમામ સિનિયર સિટીઝનો 115 લકઝરી બસ મારફત દ્વારકા, સોમનાથ અને ખોડલધામ કાગવડના દર્શનનો લાભ લેશે
ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજનાં 4000 વડીલોની એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક સામુહિક તીર્થયાત્રા તા.28 થી 30 જુલાઇ દરમિયાન યોજાનાર છે. જેમાં દ્વારકા, સોમનાથ અને ખોડલધામ કાગવડને આવરી લેવામાં આવનાર છે. આ તીર્થયાત્રાનો આરંભ શુક્રવારે સાંજે બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે મા બહુચરના ધામથી થનાર છે. જેમાં સામેલ વડીલોનાં ભવ્ય સ્વાગત માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ છવાયો છે. અહીં મંદિરે ધ્વજારોહણ બાદ 6,000થી વધુ લોકોની હાજરીમાં મહાઆરતી યોજાનાર છે.
તીર્થયાત્રાના સ્વાગત અંગેની વિગતો આપતાં શંખલપુર ટોડા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને પૂર્વ સરપંચ પરેશભાઈ પટેલે જણાવ્યું કે, બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત દ્વારકા, સોમનાથ અને ખોડલધામની તીર્થયાત્રામાં 60 વર્ષથી વધુ ઉંમરનાં 4,000 વડીલો જોડાનાર છે. આ તમામ વડીલો તેમના ગામેથી 115 લક્ઝરી બસો મારફતે તા.28મીને શુક્રવારે સાંજના 4 વાગે શંખલપુર પધારશે. અહીં ગ્રામજનો દ્વારા વડીલોનું પુષ્પોથી વધામણાં સાથે ભવ્ય સામૈયું કરવામાં આવશે. સાંજે 6 વાગે ભરતભાઈ પટેલ મંગલમના હસ્તે મંદિરે ધ્વજારોહણ કરાશે.
સાંજે 7 વાગે ભોજન પ્રસાદ બાદ રાત્રે 9 વાગે સામુહિક મહાઆરતીનું આયોજન કરાયું છે. જેમાં 6,000થી વધુ લોકો જોડાશે. મહાઆરતી બાદ રાત્રે 10:30 વાગે શંખલપુરથી તમામ 115 લક્ઝરી બસો તેમજ 200થી વધુ ગાડીઓનો કાફલો એકસાથે દ્વારકા જવા પ્રસ્થાન કરશે. એકસાથે 4000 વડીલોનાં પાવન પગલાંથી અમારું ગામ ધન્ય થશે. વડીલોના આ આગમનને વધાવવા મંદિરને રંગબેરંગી રોશની અને નયનરમ્ય ફૂલોથી શણગારાશે. દર્શન માટે કોઈને તકલીફ ન પડે તે માટે વિશાળ એલઇડી લગાવાશે. ભોજનદાતાનો લાભ સ્વ. મેનાબેન નાથાલાલ માધવદાસ પરિવારે લીધો છે.
યુનિફોર્મથી સજજ વોકીટોકી સાથે 300 યુવકો, 250 મહિલા સ્વયંસેવકો જોડાશે
તીર્થયાત્રાના આયોજન અંગે ક્ધવીનર હાર્દિક પટેલે જણાવ્યું કે, યાત્રામાં 60 વર્ષથી મોટી ઉંમરનાં 4000 વડીલો જોડાશે. જેમાં 75 વર્ષનાં 1000 અને 108 વર્ષનાં 12 વડીલો છે. યાત્રા પાછળ રૂ.75 લાખથી વધુનો ખર્ચ થશે. તમામ યાત્રિકોનો રૂ.5 લાખનો વીમો લીધો છે.દરેક લક્ઝરી બસમાં પ્રાથમિક સારવાર માટેની મેડિકલ કિટ સાથે 5-5 સ્વયંસેવક રહેશે. વિવિધ રોગના 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમ બે આઈસીયુ મેડિકલ એમ્બ્યુલન્સ સાથે જોડાશે. અશક્ત અને દિવ્યાંગ વડીલો માટે 300 વ્હીલચેર, 15 મિકેનિકોની ટીમ, યુનિફોર્મથી સજજ વોકીટોકી સાથે 300 યુવકો અને 250 મહિલા સ્વયંસેવકો જોડાશે.
તીર્થયાત્રા એકસાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે
ડો. દિલીપભાઇ પટેલે જણાવ્યું કે, 1300 કિલોમીટરની સામુહિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક હોવાથી આયોજક બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.