કોરોના સંકટ કાળમાં શિક્ષણકાર્ય બંધ હોવા છતાં ફીના ઉધરાણા ચાલું રહેતા વાલીઓ ગિન્નાયા
ફાયર સેફટી બાદ શાળાના બાંધકામ મુદ્દે પણ લડત ચલાવાશે
ગુજરાતમાં હાલની કોરોના મહામારીના સંકટકાળમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ હોવા છતાં ખાનગી સ્કૂલના સંચાલકોએ ફી ના ઉઘરાણા ચાલુ રાખ્યા છે. આ સંજોગોમાં વાલીઓને ફી માં રાહત/માફી આપવાની માંગણી સાથે જામનગર મહિલા સહકારી બેંકના મેનેજીંગ ડીરેક્ટર, સંસ્કૃતિ ફાઉન્ડેશનના પ્રમુખ અને મહિલા અગ્રણી શેતલબેન શેઠે વાલીઓને સાથે રાખી જનઆંદોલનનો આરંભ કર્યો છે.
દિન-પ્રતિદિન સ્કૂલ સંચાલકોની દાદાગીરી વધતી જાય છે. વાલીઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે. એટલે જ સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે ’વાલીઓની લાલ આંખ’ના સૂત્ર સાથે વાલીઓને સાથે રાખી જનઆંદોલનની શરૃઆત કરવામાં આવી છે.
હાલના યુગમાં ભણતર ખૂબ જ જરૃરી છે, ભણતરનું મહત્ત્વ શું છે તે દરેક વાલી જાણે છે. માટે જ શક્ય હોય તેટલી મેહનત કરી પોતાના પેટે પાટા બાંધી પણ પોતાના બાળકોના ભણતરમાં કોઈ બાધા વાલીઓ આવવા દેતા નથી.
સમય બધા માટે કપરો ચાલી રહ્યો છે. નાના અને મધ્યમ વર્ગના લોકોને બહુ જ મુશ્કેલી છે. જ્યાં સુધી આ મુશ્કેલ સમય ચાલે છે ત્યાં સુધી સ્કૂલ સંચાલકોને ફી માં રાહત આપવા અંગે વિનંતી કરી હતી, પરંતુ તે સંચાલકોએ માની નથી. લોકમૂખે ચર્ચા છે કે ૮૦ ટકાથી વધારે સ્કૂલો ધારાધોરણ મુજબ નથી ચાલતી, એ તમામ વાલીઓ જાણે છે, છતાં કોઈ દિવસ ફરિયાદ નથી કરી પણ ’સો ચૂહે ખા કર બિલ્લી હજ કો ચલી’ જેમ આટલું ખોટું કરતી સ્કૂલો કાયદાનો સહારો લઈ હાઈકોર્ટમાંથી ફી ઉઘરાવવા ઓર્ડર લઈ આવી છે, ત્યારે સ્કૂલ સંચાલકોને કાયદાનું ભાન કરાવા માટે આ જનઆંદોલન શરૃ કર્યું છે.
જનઆંદોલનના મંડાણ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની એન.ઓ.સી. બાબતથી ચાલુ કર્યું છે. અવારનવાર ટેલિવિઝનના માધ્યમથી જોતા હોઈએ છીએ કે હોસ્પિટલ હોય, મોલ હોય કે ટ્યુશનક્લાસ હોય કે શાળાઓ હોય ત્યાં ગંભીર આગ લાગવાના બનાવો બને છે ત્યારે મોટાભાગની જગ્યાએ ફાયરને લગતી બેદરકારી સામે આવે છે. કાં તો ફાયર શાખાની મંજુરી ના હોય, કાં તો ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થયેલા હોય જેવા અનેક કારણો ફાયરને લગતી બેદરકારી બતાવે છે. જ્યારે જામનગર શહેરમાં શાળાઓની ફાયર સેફ્ટી બાબતે મુદ્દાઓ અંગે રજૂઆત કરી છે અને માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગી છે. જે શાળાઓ ફાયર શાખાના નિયમોની અવગણના કરે છે તેમની સામે એક્શન લેવામાં આવે તેવી માંગણી કરી છે. ફાયર શાખા પછી શાળાનું નિયમ મુજબ બાંધકામ છે કે કેમ તે મુદ્દે લડત ચલાવાશે. બે શાળાઓ બાજુ બાજુમાં હોય છતાં કઈ રીતે મંજુરી મળી તે બાબતે તપાસની માંગણી કરાશે.
શાળામાં મેદાન બાબત હોય, ક્વોલીફાઈડ શિક્ષકો વગેરે બાબતે યોગ્ય તપાસ ની માંગણી થશે. શાળા સંચાલકોને પણ કાયદાનું પાલન કરાવવા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે. આમ આ લડતની શરૃઆત ફાયર શાખાથી ચાલુ કરી સ્ટેપ બાય સ્ટેપ આગળ જનઆંદોલન વ્યાપક બનાવવામાં આવશે.
જામનગર શહેરમાં સ્કૂલ તથા કોલેજ ચલાવવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાનું એન.ઓ.સી. લેવાની જરૃર છે કે નહીં? જામનગર શહેરમાં ચાલતી કેટલી સ્કૂલોએ ફાયર શાખાનું એન.ઓ.સી. લીધેલ છે અને કેટલી સ્કૂલોએ લીધેલ નથી? જે સ્કૂલો દ્વારા ફાયર શાખાનું એન.ઓ.સી. લીધેલ છે તે સ્કૂલોમાં ફાયરના પૂરતા સાધનો છે કે કેમ તે અંગે આપના દ્વારા ક્યારે ક્યારે કઈ સ્કૂલમાં ચેકીંગ કરેલ, ચેકીંગ સમયે સ્કૂલમાં રોજકામ અથવા જે પણ કાગળ ઉપર કાર્યવાહી કરેલ હોય તે કાગળોની છેલ્લા પાંચ વર્ષોની નકલોની માંગણી કરવામાં આવી છે.
જે સ્કૂલો દ્વારા ફાયર શાખાનું એન.ઓ.સી. લીધેલ છે અને ફાયર સેફ્ટીના સાધનો વસાવેલા છે. તેમાંથી મોટાભાગની સ્કૂલોમાં એક વાર સેફ્ટીના સાધનો વસાવ્યા પછી તે એક્ષપાયર થઈ ગયા હોવા છતાં મોટાભાગની સ્કૂલો બદલતી નથી. આ હકીકત સાચી છે કે કેમ? જો સાચું હોય તો આવું ફાયર શાખા દ્વારા શા માટે ચલાવી લેવામાં આવે છે? વગેરે મુદ્દાઓ અંગે ફાયર શાખા પાસે માહિતી મંગાવામાં આવી છે.